ડુંગર નવડાવ્યો..(નાટિકા)

ડુંગર નવડાવ્યો…

[પાશ્ચાદભૂમિકા:- હાલમાં જે નર્મદાજીલ્લા તરીકે ઓળખાય છે.. અને તેનો પહાડી અને વનરાજી..જંગલો, ખીણો અને કોતરોથી સભર એવી ડુંગરાળ ભૂમિ અને વચ્ચે ગુજરાતની મુખ્ય નદી વહે નર્મદા(રેવા) અને બીજી નદી કરજણ નદી જેના કાંઠે રજવાડી ગામ નામ જેનું રાજપીપળા અથવા નાંદોદ જૂના નામથી પ્રચલિત હતું અને નર્મદા જીલ્લાનું વડું મથક તરીકે અને ગુજરાત સરકાર નર્મદાડેમ(જે સરદાર સરોવર તરીકે ઓળખાય છે.)ને લીધે પર્યટન સ્થળ સ્થળ તરીકે વિક્સાવી રહી છે. રાજપીપળાનો એક આગવો ઈતિહાસ છે. એવી લોકવાયકા છે અને જે મેં પણ સાંભળી છે.. કે જ્યારે મહાભારત ખેલાયું ત્યારે ભીષ્મપિતામહ બાણશૈયા પર પોતાના અંતિમશ્વાસ લઈ રહ્યા હતા અને જેમને ઈચ્છામૃત્યુનું વરદાન હતું.. ત્યારે જે જગ્યા એ અર્જુન ઉપસ્થિત હતો અને તેમણે અંતિમ ઈચ્છા એવી વ્યક્ત કરી હતી કે. “મારે પાણી પીવું છે” જ્યાં પાણીનું નામનિશાન નહોતું.. અર્જુને ત્યારે તેમની ઈચ્છાપૂર્તિ માટે એક બાણ જમીનમાં મારીને ગંગા વહેવડાવી હતી તે નદીનું નામ “કરજણ” અથવા “કરગંગા”. એટલે જે કર અર્થાત હાથ દ્વારા ઉત્પન્ન થઈ યા “જણ” એટલે જન્મી માટે તેનું નામ કરજણ નદી ના નામથી ઓળખાવા લાગી.. અને જેની ઉપર પણ એક બંધ બંધાયેલ છે, જે નર્મદાડેમ કરતાં નાનો છે. રાજપીપળા આ કરજણ નદી પર વસેલ એક રજવાડી ગામ છે.

અહીંયાની પ્રજા મૂળે આદીવાસી જાતિ ધરાવે છે અને તેઓ લગભગા બારગાઉએ બોલી બદલાય તેમની લગભગ ત્રીસ કે તેથી ય વધુ લોકબોલી બોલતા હોય છે, જેને ડુંગરીયા ભાષા કહેવાય છે. તેમનામાં હાલ શિક્ષીતોનું પ્રમાણ વધ્યું છે, પણ પહેલા અને આજે ડુંગરિયાળ વિસ્તારોમાં કેટલાક યુવાઓને બાદ કરતાં નિરક્ષરતાનું પ્રમાણ શહેરો કરતાં નહીવત કહી શકાય. ડેમના પાણી મળતાં થયા પછી ખેતીનું પ્રમાણ વધ્યું છે, બાકી તો ગરીબાઈ અને અંધશ્રદ્ધા કહી શકાય એવી કેટલીક માન્યતાઓ હજીયે અંતરિયાળ વિસ્તારોમાં પ્રવર્તે છે. બાધાઆખડી, દેવીઓને રિઝાવવા બલિ ચઢાવવાની કે પછી ડુંગરને નવડાવવાની પ્રથા અનુસાર ગામમાં કોઈને છોકરાં નહોય, હઠીલો રોગ હોય તેની દૂર કરવાની માનતા યા કોઈ આફત હોય.. ટૂંકમાં મનની મુરાદ પૂર્ણ કરવા નેમ લે છે અને તે પૂર્ણ કરવા પ્રસ્તુત નાટિકામાં ડુંગરને નવડાવવાની પ્રથા આજથી ત્રીસ વર્ષ પહેલાં પણ રાત્રિમાં દવ લાગ્યો હોય એવું સ્પષ્ટ જોઈ શકાતું હતું.. બની શકે છે ક્યારેક જંગલમાં કુદરતી રીતે દવ લાગી શકે.. પણ ત્યારે અમને પણ ખ્યાલ નહોતો કે તેઓ ડુંગરને દવ જાતે પણ લગાડતા હોય છે.. તો પ્રસ્તુત છે એક લઘુ નાટિકા]

“ડુંગર નવડાવ્યો”

પાત્ર પરિચય

ખેમો..સાક્ષર યુવાન અને કરસન નો મિત્ર.

કરસન: ખેમાનો નાનપણ નો દોસ્ત.ચાર ચોપડી જ ભણેલો.

દામણ ભાઈ: ગામના સરપંચ.

ભંગડાભાઈ: અભણ ખેડૂત

ડુંગરસીંગ: ગામવાસી

વીરસીંગ: ગામવાસી

ખેમો: અલ્યા કરસન મને આજે નાનપણની વાત યાદ આવી ગઈ.. આપણે શાળાએથી છૂટીને કેવા ખેતરો અને જંગલોમાં રમવા અને આનંદ કરવા નીકળી પડતા અને આમલીપીપળી અને સંતાકૂકડી રમતા અને મહૂડા..કેસૂડા વીણતા અને બોરાં ખાવાની કેવી મઝા આવતી’તી.? અને ગીતો લલકારતા… તું પેલું ગીત ગાને ..ડુંગર ઉપર મીરચી રોપી ઝેણાં ઝેણાં પોંના રે..

કરશન: ગીત ગાવા લાગે છે.

ખેમો: હવે અંતકડીમાં તો ફિલ્મોના જ ગીતો યાદ આવે છે. શહેરમાં તો આવું ક્યાં બધું જોવા મળે? એટલે તો રજાઓમા અહીં આવવા મન રાહ જોઈને જ બેઠું હોયને? ક્યારે રજાઓ પડે ને ગામની વાટ પકડીએ. પણ પપ્પાજી લઈ આવે ત્યારેને?

કરશન: હા આ વખતે તો તું કેટલા વર્ષો પછી આવ્યો, ખરું ને?

ખેમો: આ તો ડુંગરના જંગલમાં અંધારુ થવા લાગ્યું. જો સામે જો.. કેટલી બધી મશાલો સળગતી ઊતરતી આવતી હોય એવું લાગે છે.

કરશન: એ મશાલો નથી પણ જંગલમાં આગ લાગી છે.

ખેમો: જંગલમાં વળી કોણે આગ લગાડી હશે?

કરશન: માનતવળાએ. બીજા કોણે? ગામમાં કોઈને છોકરાં ન હોય, રોગ હોય કે આફત હોય એ માનતા માને.

ખેમો: શેની માનતા?

કરશન: દેવીને રીઝવવા, ડુંગરને નવડાવે..

ખેમો: પણ એટલું બધું પાણી ક્યાંથી લાવે?
કરશન: અરે! ગાંડા, પાણીથી નહીં, પણ આગ લગાડીને નવડાવે તો દેવી પ્રસન્ન થાય.

ખેમો: કેવી વાત કરે છે? તો તો જંગલનો નાશ જ થાયને, દેવી પ્રસન્ન થોડી થાય?

કરશન: એની ખબર નથી. આ તું રહ્યો બહુ ભણેલ, તને ન સમજાય લોકોની એવી માન્યતાને.

ખેમો: આતો સાવ અંધશ્રદ્ધા જ કહેવાયને?

કરશન: જે હોય તે.. જીવ બચાવવો હોય તો જલ્દી જલ્દી ડુંગર ઉતરવા માંડ.

ખેમો: ઓ બાપરે! આતો ચારેય બાજુથી આગ લાગી છેને? (ચારેય બાજુએ ફરીને જુવે છે)

કરશન: પહેલા આપણે આગને આગળ વધતી અટકાવીએ.

ખેમો: અહીંયા તો પાણી પણ નથી. આગને કેવી રીતે ઠારીશું?

કરશન: મને જંગલના ચોકીદારે વાત કરેલી. આગ લાગે ત્યારે તેને અટકાવવા આગળથી ઘાસ કાપીને સાફ કરી નાંખવું. તેથી આગ આગળ ના વધે.

ખેમો: અલ્યા કરશન આ અવાજ શેનો આવે છે?

કરશન: ઘણા બધા લોકો આ બાજુ આવી રહ્યા લાગે છે.. આપણને બચાવવા માટે.

દામણભાઈ: (દૂરથી બૂમ પાડી) એ ખેમા.. એ કરશનિયા.. તમે આ તરફ આવતા નહીં. અમે ત્યાં આવીએ છીએ.. (ઘણા લોકો આવે છે.)

ખેમો: સારું થયું તમે આવી ગયા. અમે બચી ગયા નહીંતર બળી જાત. પણ દામણભાઈ એક વાત કહું તમને?

દામણભાઈ: કહે.. કહે.. શી વાત કહેવી છે? હા હોં , આ ભણેલાની વાતમાં તો ભલાઈ હોય જ ને?

ખેમો: જુઓ, આ ડુંગરોના જંગલોમાંથી આપણે શું શું મેળવી છીએ?

ભંગડાભાઈ: ગુંદર મળે.

ડુંગરસીંગ: ટીંબકનાં પાન મળે.

વીરસીંગ: મધ, કેસૂડાં ને લાકડાં ય મળે.

દામણભાઈ: વળી આપણાં નાનાં મોટાં પશુઓનો ચારો ય મળે જને?

ખેમો: આ જંગલો જો આ રીતે બળી જાય તો આપણે આ બધું મેળવી શકીએ ખરાં?

દામણભાઈ: ના હોં, તોતો ના જ મળેને..

ખેમો: અને હા, બીજું, જંગલમાં પ્રાણીઓનાં રહેઠાણો હોય અને તેમનાથી જ તો જંગલ રૂડું લાગેને?. આપણા ગીરનાં જંગલોમાં આખાય એશિયામાં પ્રખ્યાત એવા સિંહ જોવા લાયક મળે છે. એય આપણા ગુજરાતનું ગૌરવ કહેવાયને?

કરશન: સાવ સાચી વાત છે..ખેમા.

ખેમો: માટે હવે આપ સૌ કહો કે આપણે જંગલ બાળવું જોઈએ? કે એનું જતન કરવું જોઈએ?

દામણભાઈ: હા, ખેમા તારો વિચાર તો સારો છે. તો એમ કરને આવતી કાલે ગ્રામ સભા ભરાવાની છે, ગામની નિશાળમાં. ત્યાં બધા ગામના આગેવાનો અને સાથે સાથે શિક્ષકો પણ હાજર હશે. આશા છે ત્યાં પણ કઈંક સારી વાતો થઈ શકે. લ્યો આ સામે ગામ દેખાય.

ખેમો: આભાર આપ સૌનો તમે સમય પર આવીને અમને આગ તરફ જતાં અટકાવ્યાં. ખરુંને કરસન. જુઓ હવે તો આગ પણ ઠરી ગઈ છે. આવતી કાલે બપોરે ગ્રામ સભામાં મળીશું ત્યારે.

દામણભાઈ: અરે વાતમાંને વાતમાં મારું ઘર પણ આવી ગયું.એ આવજો.. સૌને રામ રામ..

બધા લોકો: એ રામ રામ.. કાલે મળશું ત્યારે…

દ્રશ્ય બીજું…

પાત્રો: દામણભાઈ: વડીયા ગામના સરપંચ.

ખેમો: કરસનનો મિત્ર અને સાક્ષર યુવાન

કરસન: ખેમાનો મિત્ર.

શંકરભાઈ: ગામના આગેવાન

મૂળજીકાકા: એક વડીલ બુજર્ગ.

જયંતિભાઈ: શાળાના આચાર્ય

મંજુલાબહેન: શાળાની સિનિયર શિક્ષિકા.

ગ્રામજનો: લગભગ વીસેક ની સંખ્યા.

સ્થળ: ગામની પંચાયતની ઓફિસ

દામણભાઈ: આજની આપણી ગ્રામ સભામાં હાજર એવા સૌ કોઈને મારા રામ રામ.

બાકીના સર્વે: એ રામ રામ

દામણભાઈ: આજે આપણે સૌ ભેગા મળીને આપણા ગામના પ્રશ્નો વિશે બધા પોત પોતાના વિચારો રજૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ગામના આગેવાન શંકરભાઈને આ સભામાં પ્રમુખ બનાવવાની દરખાસ્ત મૂકું છું.

જયંતિભાઈ: અને આ દરખાસ્તને એક સભ્ય તરીકે મારો ટેકો જાહેર કરું છું અને તેની નોંધ પણ લઉં છું. સર્વસંમતિથી આપણા ગામના પ્રશ્નોના હલ ને વધાવવા પ્રયત્ન કરીશું. જુઓ આજે આપણી વચ્ચે ખેમાભાઈ પણ હાજર છે જેઓ આપણા જ ગામના અને ગામની પ્રાથમિકશાળામાં ભણેલ અને શહેરમાં જઈ વધુ શિક્ષણ મેળવી રહ્યા છે. આ તકે એમનું આપણા સૌ વતીથી સ્વાગત કરું છું.તેઓ પણ આ અંગે પોતાના વિચારો જણાવશે

ખેમો: આભાર સાહેબ. આખરે આ મારું પોતાનું જ ગામ છેને? ભલે હું બહાર ભણવા ગયો હોઉં. મારી પણ પણ કઈંક ફરજ બને છે.આખરે આ ગામ એ આપણા સૌનું ગામ છે. આ ગામનો હું સદાયનો ઋણી રહીશ. ગઈકાલે આ દામણભાઈ અમને જંગલમાં ન મળ્યા હોત તો અમે આગમાં સપડાઈ ગયા હોત..ખેર ઈશ્વરની મહેરબાની અને દામણભાઈને મદદથી બચી ગયા.

(ગામલોકો વિસ્મયથી તેને જોઈ રહ્યા).

જયંતિભાઈ: આતો સારું ન કહેવાય, પણ આમ બન્યું કઈ રીતે?

કરસન: જુઓ અમે ગઈકાલે સાંજે જંગલમાં ફરવા ગ્યાતા અને ત્યાં લાગેલ આગમાં સપડાઈ ગયા હતા. આતો સારું હતું કે અચાનક દામણભાઈએ અમને બૂમ પાડી અને મદદે આવી ચડ્યા.

શંકરભાઈ: આતો કોઈકે લગાડી હશે માનતા પૂરે કરવા સ્તો?

મંજુલાબહેન: હા, મેં પણ સાંભળ્યું છે કે પોતાની બાધાઆખડી કે માનતા માટે આ રીતે ડુંગરને નવડાવે છે ખરુંને? (લોકો હકારમાં માથું હલાવે છે.)

મૂળજીકાકા: આવું તો વરહોવરહથી ચાલતું આવે છે. ખરુંને? અમે રહ્યા અભણ કે પછી બહુ બહુ તો ચાર ચોપડી ભણેલા અને આજનું થોડું છે આતો અમારા બાપદાદાઓના વખતનું ચાલ્યું આવે છે. ખરુંને?

ગામલોકો: (સૌ સાથે એક અવાજે) હા..હા.

દામણભાઈ: આજના પ્રમુખ એવા આપણા શંકરભાઈને આ અંગે મુક્ત રીતે ચર્ચા કરવાની રજા આપે.

શંકરભાઈ: હા આ મુદા વિશે ચર્ચા કરીએ તેમાં જરાય ખોટું નથી. આ અંગે ઘણું બધું જાણવા મળશે આપણને.. અહીંયા ગામને નંદનવન કેવી રીતે બનાવી શકાય અને જંગલને મંગલકારી બનાવવા શું શું કરી શકીએ એ મહત્વનું છે, તો વારાફરતી સૌને પોત પોતાના વિચારો રજૂ કરવાની છૂટ છે.

એક ગ્રામજન: આપણો તો મુખ્ય ધંધો જ ખેતીનો ને ઢોરાં પાળવાનોને? આ આખો દહાડો એમાં જ ચાલ્યો જાય, અહીં વખત જ ક્યાં છે બીજું કંઈ વચારવાનો..

ખેમો: તમારી વાત સાચી. તો ખેતી સારી થાય તે માટે શું કરી શકીએ?

બીજોગ્રામ જન : આપણા બાપદાદાઓ માનતા આવ્યા છે તે સાચું જ છેને? કે “ખેડ ખાતરને પાણી, લાવે નસીબને તાણી.”

ખેમો: સરસ. પાણી આપણને વરસાદથી મળે એ પણ આપણે સૌ માની એ છીએ ને?

મૂળજીકાકા: વર્ષોથી ખેતી એના અધારે જ કરતા આવ્યા છીએને? આતો હાલમાં આપણા ગામની નજીક આવેલી કરજણનદી પર બંધાયેલ ડેમને કારણે ખેતરોમાં બારેમાસ પાણી મળતું થયું ને વરસમાં બે-ત્રણ પાકો લેતા થયા અને આપણે હવે બે પૈસે સુખી થયા ખરુંને?

ગામલોકો: હા..હા, હાવ હાચી વાત.

જયંતિભાઈ: જુઓ બધા હજી બે પૈસે સુખી થયા એમ ન કહી શકાય. છતાં ય તમારા દિકરા કે દિકરીઓ અભણ ના રહે તે માટે ગરીબ લોકોને મધ્યાહન યોજના દ્વારા બાળકોને જમવાનું મળે એવી સરકાર મદદ તો કરે છેને?

ખેમો: ભણતરથી જ સમજ આવે છે અને જીવનને દિશા પણ મળે છે. ડેમમાં પાણી વરસાદના કારણે આવે છે. પાણી એ સૌની જીવાદોરી છેને?

મંજુલાબહેન: વરસાદ પણ વૃક્ષો અને જંગલોને આભારી છે ને? તો આપણે સૌ શું કરી શકીએ એ અંગે આપણે સૌએ વિચારવું જોઈએ.

ગામલોકો: (તેમની વચ્ચે કંઈ ગગણાટ થાય છે) હા,હા આપણે જરૂર કંઈ ક કરવું જોઈએ. અમે પણ સંમત છીએ.

ખેમો: આપણે જંગલને મંગલકારી બનાવવા,ખેતી માટે પાણી મેળવવા એક કાર્યક્રમ બનાવીએ. તો જંગલને થતું નુકશાન શેનાથી થાય છે, અને તેને રૂડું રૂપાળું આપણે એક અભ્યારણ બનાવવાની શરૂઆત કરીશુંને?

કરશન: આપણે પેલો પાઠ ભણ્યા હતા ને કે “બીજા માટે આંબો” કેવો સરસ દાદાજીનો વિચાર હતો.

જયંતિભાઈ: આપણે ઘર આંગણે ફળાઉ વૃક્ષો તો રોપી શકીએને? હા, જુઓ આપણા ગુજરાતના આ સ્વર્ણિમજયંતિના વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાતનો છેવાડાનો નાનામાં નાનો માણસ પણ પોતાનો ફાળો આપી શકે, તેવી વ્યવસ્થા અને યોજના વિશે સરકારે કાર્યક્રમ પણ અનેક જાતના ઘડી કાઢ્યા છે. તે અંગે આપ સૌ તો જાણતા હશો જ ને? હા, તેના માટે સંકલ્પ લઈએ તો આપણે જરૂર સફળ થઈશું.

એક ગ્રામજન: હજી આપણો જીલ્લો નવો નર્મદા જીલ્લા તરીકે સરકારે જાહેર કર્યા પછી આપણા મુખ્ય પરધાન રાજપીપળામાં પંદરમી ઓગષ્ટે ધ્વજવંદન કરવા આવ્યા હતા, ત્યારે અમો બધા ગોમના લોક પણ એમને હોંભરવા ગ્યા’તા. તે કોંક સંકલપ લેવાની વાતો કરતા હતા અને હારૂ ભાષણ કરતા હતા.

મંજુલા બહેન: તેમણે આપણે સૌને કન્યાકેળવણી થી લઈને વૃક્ષારોપણ કરવાના સંકલ્પ લેવા સુધીની વાતને ભાષણમાં કહી હતી અને હાલ “વાંચે ગુજરાત” એ જાતે અભિયાન દ્વારા અને જાતે જ વૃક્ષારોપણ કરીને શુભશરૂઆત પણ કરી દીધી છે. એનો તો તમને ખ્યાલ હશે જ ને?

દામણભાઈ: આ વિશે જયંતિભાઈ વધુ આપણને વિગતે જણાવશે. ખરુંને જયંતિભાઈ.

જયંતિભાઈ: હા, કેમ નહીં. મને એ જણાવતાં અને કાર્યક્રમની માહિતી આપતાં આનંદ થશે. લોકજાગૃતિ લાવવા સરકાર આપણા છેવાડાના જંગલ વિસ્તારોનું યોગ્ય રીતે જતન થાય તે માટે વનખાતા તરફથી વૃક્ષારોપણ ને પ્રોત્સાહન પૂરૂં પાડવા મફત રોપાઓનું વિતરણ કરવા નર્સરીને જવાબદારી સોંપેલ છે. ત્યાંથી મફત ફળાઉ જેવાં કે આમળાના રોપા અન્ય ઔષધિય અને જંગલની ઈમારતી લાકડાનાં વૃક્ષો સાગ,સાલનાવૃક્ષોના રોપાઓનું વિતરણ વિના મૂલ્યે પણ કરી શકે છે. ઈમારતી લાકડાના વૃક્ષોનું છેદન થતું અટકાવવા તેમજ લાકડાની ચોરી થતી અટકાવવા કાયદાઓ પણ હાલમાં અમલી બનાવાયાં છે. તે માટે વનખાતું કાર્યરત છે. સજા અને દંડ બંનેની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષણને લગતાં જેવાં કે કન્યાકેળવણી, દરેક માટે મફત અને ફરજીયાત શિક્ષણ બનાવવા માટે સક્રિય પ્રયાસ કરી રહી છે. દરેક વાંચી શકે તે માટે મફત તરતાં પુસ્તકાલયો ની જોગવાઈ પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. આવાં તો અનેક કાર્યક્રમો સરકરશ્રી તરફથી હાથ ધરવામાં આવી રહ્યા છે.

મૂળજીકાકા: આ તો ઘણો ફાયદા કારક અને દરેક માટે ઉપકાર પણ કહેવાય.

ખેમો: તો આવા શુભકામમાં વાર શાની? આપણા ગામને ગોકુળિયું અને જંગલને નંદનવન મંગલકારી લોકચેતના જગાવવા સંકલ્પ કરું ચું કે “હું મારા ગામમાં દરેક જણ વાંચી શકે એ માટે અને પાયાનું શિક્ષણ મેળવે તે માટે હું મારા થકી અક્ષ્રરજ્ઞાન આપીને ફુરસદના સમયનો ગામ લોકો માટે ઉપયોગ કરીશ.”

કરશન: “હું પણ ખેમાની માફક સમય કાઢીને વાંચવા લખતાં સૌને આવડે તે કામમાં મદદ કરીશ અને વુક્ષારોપણ કરીશ.”

સરપંચ: “હું પણ આ કાર્યકમને આગળ વધારવા કટીબદ્ધ બની સરકારની યોજના નો લાભ મળે તેવી રજૂઆત કરીને ગ્રામસભામાં ગામને લગતા પ્રશ્નોના નિકાલ માટે સાથ સહયોગ આપતો રહીશ અને વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવવા અંધશ્રદ્ધા અને વહેમોને દૂર કરવા હું પોત વૃક્ષચ્છેદન અને દવ કે આગ માં બળીને ખાકના થઈ જાય તે માટે સજાગતા અને જાગૃતતા આણવા ના પ્રયત્નમાં સહભાગી થઈશ. જરૂર પડે પંચ બોલાવીને આવા નિર્ણયો લેવામાં સહભાગી બનીશ.”

મૂળજીકાકા: “હું પણ આવા કામમાં જરૂર આગળ આવીશ”.

શંકરભાઈ: હું પણ પ્રમુખ તરીકે મારો ટેકો જાહેર કરું છું અને જંગલમે મંગલ બનાવવાના યજ્ઞને આગળ ચાલુ રાખવા સતત પ્રયત્નશીલ રહી ને આપણી જીવાદોરી સમાનખેતીને ઉપજાઉ અને હરીભરી રાખવા વૃક્ષોને રોપીને જતન થાય તે માટેનો સંકલ્પ લઉં છું.

જયંતિભાઈ: ખૂબજ સરસ કહેવાય આતો બધાના એક અને નેક વિચારો કહેવાય અમે પણ શાળાને સ્વચ્છ અને બાળકો ને શાળામાં અને ગામમાં વૃક્ષો રોપવા તૈયાર કરીશ અને જાતે વૃક્ષ વાવીશ. છેલ્લે મંજુલાબહેન સરસ ગુજરાતની મહિમાનું ગીત સંભળાવશે.

ગામલોકો: (બધા એકી અવાજે) અમે સૌ અમારા ખોટા વહેમોને દૂર કરી જંગલને મંગલ બનાવવાના દરેક પૂરેપૂરો સાથ અને સહકાર આપવનો સંકલ્પ લઈએ છીએ અને ગામને રૂડું રૂપાળું અને સ્વચ્છ-નિર્મળ બનાવીને જંગલમાંય જૂના પડી ગયેલ વૃક્ષોની જગ્યાએ નવા રોપી તેનું જતન કરવાનો સંકલ્પ લઈએ છીએ.

મંજુલાબહેન: (રમેશ ગુપ્તા રચિત ગીત ગાય છે.)

.”આજ બાપુની પુણ્યભૂમિ પર ઊગ્યું સ્વર્ણપ્રભાત;

સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની.,

જય જય ગરવી ગુજરાતની,અ યશગાથા ગુજરાતની..

મળ્યા તેલ ભંડારો વિશ્વના, રાષ્ટ્રપિતાની બલિહારી(૨)

ધન્ય ધન્ય ગુજરાતની ધરતી,થયા અહીં બહુ અવતારી,

જય સાબરમતી, જય મહી ગોમતી સરસ્વતી..

જય બોલો નર્મદા માતની..હા..હા..સ્વર્ણ અક્ષ્રરે..”

(બધા જાય છે..)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s