પાર્થને કહેજો ચઢાવે બાણ


વીતેલો સમય પાછો નથી ફરતો;
કુદરત તારો નજારો બદલાતો રહેતો;
એને સદા માનવી લાચાર બની જોયા કરતો..

મીમાંસાનો સ્વભાવ જ એવો હતો કે તે સખીમંડળમાં પણ સૌની પ્રિયપાત્ર બની ગઈ હતી. ધાર્મિકવૃતિની અને પરગજુ સ્વભાવથી થોડાક જ સમયમાં તે અપરિચિત કે પારકાને પણ પોતાના બનાવવામાં માહિર હતી.દરેક બહેનો માટે તેના મનમાં આદરભાવ રહેતો. પછી તે ભણેલી હોય કે નાનીમોટી કે ઊંચનીચ હોય. તેનું મન સાફ અને આખાબોલી છતાંય એટલી માયાળુ અને દયાળુ વ્યક્તિત્વને કારણે મિત્રવર્તુળ બહોળુ ધરાવવા લાગી. હરકોઈનું નાનુંમોટું કામ તેનાથી શક્ય હોય તો તેને કદી નિરાશ ના કરતી અને હોંશેહોંશે ઉકેલી આપે એવી કોઠાસૂઝ ધરાવતી. સદા હસતી રહેતી અને જીવનરસથી છલકાતી રહેતી.આવી મીમાંસાનો માયાળુ સ્વભાવ હોય પછી કૌટુંબિક રીતે તો સુખી જ હોયને? તેનો પતિ સોહમ એક હાલમાં સરકારી સામન્ય કર્મચારીમાંથી ઉચ્ચાધિકારીને પદે સ્વમહેનતે પહોંચ્યો હતો. પોતાના કામ પ્રત્યે સંનિષ્ઠ બનીને બઢ્તી પાત્ર બની હાલની કક્ષાએ તે પહોંચ્યો હતો. વતનથી ઘણી દૂર આવીને તેને કારણે વસવું પડ્યું. હર્યોભર્યો સંસાર બનાવવા કુદરતે સરસ એવી મઝાની દિકરી સ્નેહા અને દિકરો જેનું નામ હતું પાર્થ આપ્યો અને ‘નાનું કુંટુંબ સુખી કુટુંબ’. એ ઉક્તિ એમના નાનકડા સબંધના વર્તુળમાં બરાબર બંધબેસતી હતી.
થોડા સમય માટે મીમાંસા અને ગાયત્રી મંડળના સભ્યો યાત્રાપ્રવાસે નીકળ્યા હતા. આમતો તેઓ હરિદ્વાર તો અનેક્વાર જઈ આવ્યા હતા.આ વર્ષ એમના માટે ખાસ વિશેષ ધાર્મિક ઉજવણીના ભાગરૂપે હતું. એમાંય વળી મીમાંસા ના જાય એવું બને ખરું? જોકે આ ઉપરાંત તેની અન્ય ખાસ પ્રિય સખી હેતા અને શ્યામા પણ હતી.તે બંને મળતી ત્યારે તેની જ વાત કરતી કે આજકાલ મીંમાસા દેખાતી નથી હજી આવી નહીં હોય કદાચ નહીંતો તેનો ફોન કોઈકના તો ઉપર અવશ્ય આવે જ કેમ ખરુંને? એમ અંદરોઅંદર પૂછતી ય ખરી.
હમણાંથી શિયાળાની મોસમ બરાબર જામી છે અને શીતલહરોથી સમગ્ર દેશમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હેતા અને શ્યામાએ રોજ સાંજે પરવારીને ફરવા જવાનું છેલ્લા અઠવાડીયાથી ચાલુ કર્યું હતું. શ્યામા આજે પણ હેતાને સાથે ફરવા જવા બોલાવવા આવી અને કહેવા લાગી કે:”આજે આપણે ઘણા વખતથી મીમાંસાને મળ્યા નથી, તો ચાલને.. આજે તેના ઘર તરફ ફરવા નીકળી પડીએ તો કેવું? એને કેટલાય વખતથી નથી મળ્યા તો એ બહાને મળીય લઈશું.” હેતા અને શ્યામા એ તરફ ચાલવા નીકળી પડ્યા. એનું ઘર બેએક કિ.મી. દૂર હતું. રસ્તામાં તેની જ વાતો કરતા હતા. શ્યામા કહે:” હવે એ તો પરવારી ગઈ એટલે હવે એની બાકીની જીન્દગીની તો શાંતિથી જ પસાર થવાનીને? દિકરાને સારી રીતે ભણાવ્યો ગણાવ્યો અને દિકરીનેય સારી રીતે ઘરના અને બહારના કામકાજમાં પ્રવીણ બનાવી દિધી. હવે એને ય સાસરે વળાવી દિધી એટલે એ બંનેવને હવે કાંઈ ચિંતાફિકર ય ના રહી. ખરુંને હેતા? તારી જેમ જ ને?” હેતા કહે:”હાસ્તો, કેમ નહીં?”
વાતો ને વાતો માં રસ્તો ક્યાં કપાઈ ગયો… ખબર ય ના પડી અને મીમાંસાનું ઘર આવી ગયું… દાદર ચઢીને બંને સખીઓ ત્રીજે માળે પહોંચ્યા અને ડોરબેલ વગાડી. મીંમાસાએ તુરત જ દરવાજો ખોલ્યો જાણે કે એમની જ રાહના જોઈ રહી હોય!… એ તો ખુશખુશ થઈ ગઈ. “આવો!આવો! બહુ દા’ડે ભૂલા પડ્યા બે જણાને કાંઈ? આ તો યાદ થી યાદ મળી ગઈ હોય એવું જાણે લાગ્યું. છેલ્લા ઘણા વખતથી તમારી રૂબરૂમાં મળવાની ઈચ્છા તો મારી ય થઈ આવી હતી અને જુઓને તમે અચાનક જ આવી ચડ્યા. કેમ શું ચાલે છે? બીજું કાંઈ નવાજૂની?આવો.. આવો.. બેસોને?” બધું જાણે એકી શ્વાસે બોલી નાંખ્યુ મીંમાસાએ.
હેતા અને શ્યામા અંદર આવી અને સોફા ઉપર બેઠાં. મીંમાસા અંદર રસોડામાં પાણી લેવા ગઈ અને જલ્દી જલ્દી આવી ય ગઈ.શ્યામા કહે:” ખરેખર!..આપણે કેટલા દિવસ થઈ ગયા?… મળ્યાને!!!. એટલે આજતો નક્કી કર્યું કે આપણે મીમાંસાને ઘરે મળવા જ જઈએ અને બસ પછી તો તારા ઘર તરફ પગ ચાલવા લાગ્યા અને આવી ય ગયા.” “તે સારું કર્યુંને! હું ય ઘણા દિવસથી મળીને ઘણી બધી વાતો કરવાની છે એવું વિચારતી હવે મળાય ત્યારે ખરું.ચાલો સરસ… આ રીતે આવ્યા તે મને ય ગમ્યું?” શ્યામા બોલી:”મને હેતા કહેતી હતી રસ્તામાં કે અત્યારે સોહમભાઈનો ઓફિસેથી ઘરે આવવાનો ટાઈમ અને રસોઈપાણીનો ટાઈમ અને આપણે ક્યાં ત્યાં જઈ ચડીશું? એમનો સમય બગડશે અને રસોઈનું ય મોડું થશે એમને તકલીફ થશે. મેં હેતાને એજ કહેતી હતી કે આપણે ઊભાઊભા જ ખબર અંતર પૂછી પાછા વળી જઈશું. તું હરિદ્વારથી ક્યારે આવી મીમાંસા? હાલ તો તું ય બહાર ગઈતી કે શું?” મીમાંસા બોલી:”હા, બજારમાં થોડું નાનુંમોટું કામ હતું અને હાલ જ આવી ને કપડાં બદલ્યાં ને તમે ડોર બેલ વગાડી બસ એટલી જ વાર થઈ.” હેતા કહે:”તો તો અવશ્ય તારે ઘણું કામ બાકી હશેને? અને આમ અમે..મીમાંસા બોલી:”ના ના એવું હોય કંઈ! અને સોહમ હાલ તો ચૂંટણીના કામમાંથી નવરો પડે ત્યારેને? હાલ તો સાંજે વહેલુંમોડું થાય અને ક્યારેક ફોનથી કહી દે… મારે મોડું થશે… મારી રાહ ના જોતી અને તું જમી લેજે… હજી તો રસોઈ બનાવવાની છે. પણ મારે નિરાંત છે. થાય છે શાંતિથી ઉતાવળ નથી.” શ્યામા બોલી,”તો ઠીક આતો બસ થોડીવાર..તારે ત્યાં ઊભાઊભા જઈ આવીએ એવું મન હતું ને આવી ગયાં..આમ જ.”
એટલામાં જ તેની મોબાઈલની રીંગ વાગી અને મીમાંસાએ મોબાઈલ ઉઠાવ્યો અને ખાસી એવી વાતો કરી અને છેલ્લે ફો પર બોલ્યા:”ચાલ બસ બેટા. અને હાલ હેતા અને શ્યામામાશી આવીને બેઠા છે અને તું ફોન કરતો રહેજે.આવજે જેશ્રીકૃષ્ણ..” હેતા એ પૂછ્યું:”સ્નેહા શું કરે છે? જમાઈ અને છોકરાવ મઝામાંને?” મીમાંસા બોલી:”હાસ્તો આજકાલ તો એ રસોઈના ક્લાસમાં જાય અને અવનવું શીખી લાવે… તે પાછી હું સુરત જાઉં મલવાને ત્યારે બનાવેને ખવડાવે? આ વખત તો હોંશે હોંશે મને કહે એક નવી વેરાયટી શીખી લાવી છું. લે આ જ્યુસ પી અને મેં પૂછ્યું શેનો છે? મને કહે તું એક્વાર પી તો ખરો પછી હું તને કહું અને ખરેખર પીધો તો બહુ સરસ લાગ્યો મનેતો.” ત્યારે સ્નેહાએ કહ્યું:”આતો જામફળનો જ્યુસ છે મને તો નવાઈ લાગી.. ટેસ્ટ તો એના જેવો જ લાગે છેને? એનો પલ્પ બનાવીને ભરી ફ્રીઝમાં રાખવાનો અને જરૂર હોય ત્યારે તેમાં થોડું જરૂરિયાત મુજબનું ઉમેરીને જીરૂમીઠું ને ખાંડ ઉમેરો એટલે હલાવીને પીવાનું જ.. છે ને ટેસ્ટી?” મીમાંસા તો કહે:” હું તો ચાખીને દંગ જ રહી ગઈ? આ મારી દિકરી સ્નેહા તો કિચનક્વીન બની ગઈને?કાંઈ?” સ્નેહાને ય નવુંનવું બનાવી ને ખવડાવવાનો ઝાઝો શોખ? એટલું તો કહેવું પડે!.. અને સાસરીયામાં તો એવી એજ રીતે બધાની સાથે મિક્સ સારી રીતે થઈ ગઈ છે.”

શ્યામા બેન કહે,” હા બેઠો તમારા જેવો જ સ્વભાવને? બધાને ખવડાવવાનો ભારે શોખ અમે ક્યાં નથી જાણતા? અમને સ્નેહાના સમાચાર્ જાણી ભારે આનંદ થયો. બસ છોકરાંઓ સુખી તો આપણેય સુખી.. બરબરને?” “હાસ્તો”મીંમાસાએ સૂર પૂરાવ્યો…હેતા કહે:”ખાસ્સો સમય થઈ ગયો. ખબરય ના પડી ચાલો હવે અમે રજા લઈએ મીંમાસા..”મીમાંસા કહે:”બેસો તો ખરાં. મારેય તમને જ્યુસ પીવડવવો છે. એમનેમ કંઈ ચાલ્યા જવાય? આ દર્દ તો ચાલ્યા કરે પણ સોહમને ટાઈમ નથી મળતો એ આવે ને લઈ જાય ત્યારે એક્વાર ડૉક્ટરને બતાવી આવવું છે આજ કાલ તેને કામનું ભારણ થોડુંવધી ગયું છે. પણ એ તો ચાલ્યા કરે.” હસતા હસતા મીમાંસા બોલી.

આજકાલ મીંમાસાને જોતાં કોઈ નજદીકનું સાવ અંગત હોય તેજ કદાચ એની ચહેરાની રેખાઓ પરથી કહી શકે કે તેના હાસ્યની પાછ્ળ કોઈ ઘેરા વિસાદની છાયા છુપાયેલ હશે… પણ આ વાત શ્યામા અને હેતા એ પકડી પાડી અને હેતા એ કહ્યું,”ભલે તમે હસો છો પણ અંદરનું દર્દ વરતાય છે હોં.” શ્યામા તરતજ બોલી:”હા,ખરેખર એવું જ તમને જોતાં લાગે છે. હોં.” તો ય મીમાંસા હસતી રહી:”જોયા બહુ મોટા તમે પાછા ડૉક્ટર ખરાને? જ્યુસ પીધા વગર નથી જવાનું. એમાં તમારી બિલકુલ આનાકાની નહીં ચાલે હોં…એમ કરીએ ચાલોને… આપણે ત્રણેય રસોડામાં જઈએ અને વાતો ય થશે.” શ્યામા બોલી:”હા ચોક્ક્સ તારી સાથે ઘર જેવું જ છે ને આપણે ક્યાં અજાણ છીએ એકબીજાથી?” હેતા અને શ્યામા તો નીચે જ પલાંઠીવાળીને બેસી ગયાં આસન ઉપર. શ્યામાએ કહ્યું:”સુરતથી આવતાં ત્યાંથી મઝાનાં જમરૂખ મળતાં હતાં તે સાથે જ લઈ આવી હતી અને તેનો પલ્પ બનાવીને મૂકીય રાખ્યો છે”.
બસ વાતવાતમાં બનાવીને બે ગ્લાસ શ્યામા અને હેતાને ધરી ય દીધાં. બંનેવે જ્યુસ પીધો અને એકીસાથે બોલી ઉઠ્યાં:”ખરેખર બહુ જ સરસ છે..મીમાંસા”..એટલામાં ફોનની રીંગ વાગી અને બેઠકરૂમમાં જઈને સોહમ સાથે વાતચીત કરીને પાછી આવીય ગઈ. મીમાંસા બોલી:”જો આજેય મારે મોડું થશે. તું રાહના જોતી અને તું જમી લેજે તેવું કહેવા જ સોહમનો ફોન હતો. હવે તો ઉતાવળ નથીને? આજકાલ રસોઈ બનાવવાવાળીને રાખી લીધી છે આ પથરીનો દુ:ખાવો એવો ઉપડે ત્યારે સખત ઉપડે કે ત્યાં ને ત્યાં જ પેટ પકડીને બેસી જવું પડે. એટલું અસહ્ય હોય છે.” શ્યામા કહે: હવે અમે જઈએ આ હેતા તો પરવારીને આવી છે પણ મારે ઘરે સાહેબ મંદિરેથી આવીને જમવાની રાહ જોતા હશે. રજા લઈએ અમે હવે આવતા રહીશું ને મળતા રહીશું. બરાબરને? સોહમને નવરાશ ના હોય તો અમે તારી સાથે આવીએ. બોલ કાલે જવું છે? ડૉક્ટરને બતાવવા.. તો ફોન કરજે.બરાબર?” મીમાંસા બોલી:”ના ના, એવું કંઈ નથી અમે એને ટાઈમ કઢાવીને પણ જઈ આવીશું બસ” શ્યામા અને હેતા ઊભા જ થતા હતા અને એ જોઈ તરત મીમાંસા બોલી:”બેસો તો ખરા! મારે તમને મારી વાત કહેવી છે…કેટલાય સમયથી કહેવી હતી મારે તમને”. પાછા ત્રણેવ બેસી ગયા.

હવે મીમાંસા પોતાની આપવીતી કહેવા લાગી:”આતો તમે બંન્નેવ મારી ખાસ સખી ઓ છો એટલે મન સહેજ હલ્કું કરવાને કહું છું..શ્યામા,આ પાર્થની મરજી પ્રમાણેનું લગ્ન તો હોંશભેર કર્યું અને એકના એક દિકરાને લાડેકોડે ઉછેર્યો અને કેવી કેવી પરિસ્થિતિમાં અમે એને ભણાવ્યો ગણાવ્યો અને પરણાવ્યો ય ખરો એનાથી તમે ક્યાં અજાણ છો? એની પસંદગીને અમારી પસંદગીને અપનાવી લીધી વહુ દયા નર્સીંગનું કરી નોકરીએ ય લાગી. બંન્નેવ જણ સુખેથી રહેવા નોકરી ય કરે છે. હજી એનો મીત નાનો છે અને એટલે અગવડ પડે એ ય સ્વાભાવિક છે. અમે દાદા-દાદી બન્યા આ સમય પણ પસાર થયાને ત્રણ ત્રણ વર્ષ પાણી ના રેલાની માફક વહી ગયા. પણ હવે આજ સમજશે કાલે સમજશે.. અનેક્વાર ભૂલ કરીને આંદરોઅંદર નાનામોટા સૌની સાથે બેસીને માફી અને સમાધાનના માર્ગને અપનાવીને ચલાવતા આવ્યા. ત્રણ વર્ષમાં ત્રણસો વખત ભૂલો કરવાનો અને માફી ય માગી લેવા નો સિલસિલો જ ચાલતો આવ્યો છે.આવું ભૂલી જઈને દર વખતે જતું કર્યું. પણ હવે તો હદ થાય છે!..ક્યાં સુધીને આજ રીતે ચલાવ્યા કરવાનું? તેય સ્વમાનના ભોગે. હવે તો પાર્થ પણ દયાનું જ ઉપરાણું લેતો રહે છે. મને તડ ને ફડ કહી દે: “તારે દયાને કંઈ જ કહેવાનું નહીં એની મરજી પ્રમાણે જ કરવા દેવાનું.એ ય નોકરી ઘર અને મીતનું કેટકેટલું સંભાળવાનું. એને એની મરજી પ્રમાણે જ ઉઠવા દેવાનું સમજી તું..” જાણે એ ઘરનું બધું કામકાજ એજ કરતી ના હોય..વારંવાર બન્યું છે હવે ઘર છે મતભેદ હોય પણ ખરો પણ ત્યાં મનભેદ ના હોવો જોઈએ ખરુંને?..ઘર હોય ત્યાં તો બે વાસણ ખખડેય ખરાં..મારો તો કોઈ કહેવાનો હક જ નહીં..મીમાંસા બોલ્યે જતી હતી…
હદ તો શ્યામા ત્યારે થઈ જ્યારે મીતને રાખવા આ વખતે પીપાવાવ તેના ઘરે ગઈ ત્યારે. અમે વારા કાઢ્યા છે મીતને સાચવવાના. પંદર દિવસ માટે હું મીતને રાખવા જઉં જ છું અને પંદર દિવસ માટે એની મમ્મી જાય છે. જેથી કરીને બંનેને નોકરી કરવામાં અનુકુળતા રહે. હજી ત્યાં ગયે મારે અઠવાડીયું વીત્યું હશે લગભગ. મારો વહેલો ઉઠવાનો ક્રમ જ છે સૌથી પહેલાં હું ગરમ પાણી તપવા ગેસ પર મૂકીને મેં બૂમ મારી:” ચલો બેટા હવે ઉઠવા માંડો..લાલા(પાર્થને ઘર્માં એના લાડકા નામથી બોલાવીએ છીએ.) તું તો ઉઠી જા”..ત્યારે દિયા મને વળતો જવાબ આપીને કહે:”સવારના પહોરમાં કે તમારે તો બસ છોકરાને સાચવીને બેસી જ રહેવાનું ને? બીજું આખો દિવસ તો કંઈ કામ કાજ નહીંને…! સવાર સવારમાં તો જંપવાનું નામ જં નથી લેતાં”. લાલો પણ એનું ઉપરાણું લેતાં કહે:”મમ્મી તારે દયાને કશું જ બોલવાનું નહીં એ એને મન ફાવશે ત્યારે ઉઠશે અને એની મરજી પડશે તે પ્રમાણે રહેશે. તારે માથું નહીં મારવાનું સમજી?” મને તો એકને બદલે બબ્બે જવાબો મળ્યા

હવે તો દયા ઝાલી રહે ખરી? તેતો તરત જ મોટા અવાજે કહેવા લાગી:”આ દરવાજો ખુલ્લો છે…ચાલ્યા જાવ..હજીય કહું છું અને ના ફાવતું હોય તો ચાલવા માંડો?” મારી દશા તો કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ. ત્યારે ના છૂટકે મારા મોંમાંથી ય શબ્દો નીકળી પડ્યા;”તું બેસ હવે છની માની મારા દિકરાનું ય ઘર છે તારી એકલીનું નહીં..સમજી?.. તું મને શું સમજે છે? નાના મોંએ બોલતાંય શરમ નથી આવતી? પણ આજે તો હું જાઉં છું હવે ક્યારેય તાર ઘરે પગ નહીં મૂકું”. લાલાએ એક હરફ સુદ્ધાં નથી ઉચ્ચાર્યો. એકદમ ચડીચૂપ. હવે એક્દમ ભિગીબિલ્લી બની ગય. સાવ જ નમાલો થઈ ગયો છે. પણ મને ખૂબ જ લાગી આવ્યું..હજી બ્રશ તો મારા મોંઢામાં જ હતું. દયાએ તો ફોન સોહમને લગાવ્યો અને ફોન પર જ કહેવા લાગી,”આ મમ્મી હાલને હાલ તમારા ઘરે આવે છે. રોજ સવાર સવારમાં.. એમને કંઈક ને કંઈક ઊંચુનીચું કરવા જોઈએ. હવે રાખજો તમારા.. ઘરે.. અમારે કંઈ એમની ગરજ નથી”.સોહમ ફોન પર બોલ્યો ય ખરો:” દયા, તને ખબર તો છે ને? મમ્મીને આમ એકલી આટલે દૂરથી આવવા દેવાય? એ કેવી રીતે આવશે? એની તકલીફની તો ખબર છેને? રસ્તામાં કંઈ થઈ ગયું તો?..

હું તો પહેરેલા કપડે ન્હાયા ધોયા વગર બ્રશ કરીને બેગમાં કપડાં નાંખીને બસસ્ટેન્ડે અહીં ઘરે પરત આવવા નીકળી ગઈ. આખા રસ્તામાં બસમાં બસ એના એજ ખ્યાલો મારો પીછો ન્હોતા છોડતા. પાર્થ આટલો બધો!!બદલાઈ ગયો…! બાકી જેવી પરવરીશ સ્નેહાની કરી છે તેવી જ એની કરી છે. એની આજદિ લગીન ક્યારેય સાસરે થી ફરિયાદ નથી આવી. ઉલ્ટાનું એના સાસુ સસરા કહે ય ખરા:”આ સ્નેહા જેવી તમારી બીજી દિકરી હોત તો અમારા નાના દિકરા સાથે એનું માંગુ મૂકત.” બંનેવ ભાઈ-બહેન ને સરખા જ ગણ્યા છે. પહેલાં પાર્થ કેટલો માયાળુ અને લાગણીશીલ અને દયાળુ હતો!!. આટલો બધો બદલાઈ જશે એવો અમને સપનામાં ખ્યાલ ના આવે. મને દુ:ખ તો આ પેટના જણ્યાનું છે. તે માના પ્રત્યે આટલો બધો દયાહીન કેવી રીતે બની શકે? મારી આંખોમાં હવે તો આ આંસુ જ સૂકાતાં નથી..હવે મારા નસીબમાં સુખના દિવસોની જગ્યાએ પાછલી જીંદગીમાં આવા દિવસો જોવાના બાહી રહ્યા? વિચારીને મારું માથું ય ભમવા લાગ્યું. આંખોમાંથી દડદડ આંસુ બસ વહ્યા જ કરે છે.”

એમ કહેતાં કહેતાં ફરીથી મીમાંસાની આંખો છલકાઈ આવી અને શ્યામા અને હેતાની આંખોય ભીની થઈ ગઈ. શ્યામા એ મીમાંસાના વાંસે હાથ ફેરવતાં કહ્યું:”આય દિવસો જતા રહેશે. એક માના દર્દને તો મા જ સમજી શકેને? આજદિન સુધી તેં અમને અણસાર ય નથી આવવા દીધો. પોતાના જ પારકાં જેવો વ્યવહાર કરે ત્યારે દર્દની કોઈ સીમા જ નથી રહેતી. આભ જ જ્યાં ફાટે ત્યાં થીંગડું ક્યાં દેવા જવું? પણ આમને આમ તમે રડ્યા કરીશ તું તો તારી તબીયત વધુ લથડશે અને સોહમનોય તારે જ વિચાર કરવાનો રહ્યોને એ ય પોતાનું આ દુ:ખ કોને કહે? ધીરેધીરે સૌ સારું થઈ જશે”.મીમાંસા બોલી:”દયાના પિતા તો નાની ઉંમરે જ ગુજરી ગયા અને તેણે પિતાની છત્રછાયા ગુમાવી. એને ઓછું ના આવે એટલે જ્યારથી સગાઈ થઈ ત્યારથી તેની નાની નાની જરૂરિયાતો ગરીબ ઘરની અને ભાઈ કમાતો નથી એટલે પૂરી કરતી… તેનો આ બદલો!!.. આજસુધી મેં ઘરની પરિસ્થિતિનો ક્યારેય…કહેતા કહેતા મીમાંસાથી ડુસકું નંખાઈ ગયું અને આંખોમાં આંસુનો બંધ છલકાવા લાગ્યો..હવે…હદ થાય છે..સહન કરવાની ય શક્તિ મારામાં નથી રહી હવે…તો ભગવાન લઈલે તો સારું..બોલતાં બોલતાં શ્વાસ રૂંધાતો હોય તેમ તે મૌન્ બની ગઈ. શ્યામા અને હેતા નજદીક જઈને તેના વાંહે હાથ ફેરવતા ફેરવતાં કહેવા લાગી:”તું ફિકરના કર અમને પોતાના સમજીને જે કહેવું હોય તે કહે. વાતને પેટમાં જ રાખીશું તું તારે વિના સંકોચે પેટ છૂટી વાત કર વાત બહાર નહીં જાય. આમ સદા હસવાવાળી તું તેં ક્યારેય આજદિન સુધી તારું દુ:ખ કળાવા નથી દીધું નહીં તો આપણે તો અવારનવાર મળતા રહીએ છીએને? ઊભા થતાં થતાં મીમાંસા બોલી:”મને લાગલગટ છેલ્લા કેટલાય દિવસોથી ઊંઘ હરામ થઈ ગઈ છે. એકતો આ કિડનીમાં અચાનક પથરીનો દુ:ખાવો અને આ અસહ્ય વિચારો એવો માથાનો ભરડો લે છે કે છેવટે કંઈ કરી નાંખું..કરી નાંખુ..એવા અશુભ વિચારો કેટલીયવાર આવ્યા હશે.હાલ બહું મન ખિન્ન અને ઉદાસ બની ગયું અને તમારી આગળ આ ઊભરો ઠલવાઈ ગયો. શું કરું? સામેના બારણે ફ્લેટમાં મગજના ડૉક્ટરની હાલ જ બદલી થઈને આવ્યા હતા. તેમણે ઈલાજ અર્થે ઘણી બધી વાત પૂછી અને કહેવી પડે તો જ સાચો ઈલાજ થાય. તેમણે ધીરેથી ચાલાકીથી મારી પર્સમાં એક પડીકી રાખી હતી તેય પકડી નાંખી. ડૉકટરે પૂછ્યું:”આ દવા કેમ રાખો છો? અને શાની છે?”… સુંઘીને તરત જ કહ્યું આવી દવા ના રખાય. આવું અવિચારી અને ઊતાવળીયું પગલું ના ભરાય.. કહીને લઈ લીધી એમાં ઉંદર મારવાની દવા હતી. હવે પાછો હમણા હમણાં આવ્યો હતો તે લાલાનો ફોન હતો ને ખબર પૂછવા સ્તો. કહે છે કે:”મમ્મી દયા તમારી માફી માંગે છે અને બહુ પસ્તાવો કરે છે”.
પણ શ્યામા આવું તો અનેકવાર બન્યું આ વખતે તો તેના ઘરે તો નહીં જ જાઉં. ભલે મીત ને મોટો કરવો હશે તો હું અહીં મારે ત્યાં જ મોટો કરી આપીશ. પણ એના ઘરના ઉંબરેથી મને જાકારો મળ્યો તે તો પાછાં નહીં જ ચઢું.

એતો આપણે ય જાણીએ છીએ કે માવતર કમાવતર ક્યારેય નહીં થાય. પણ દરેકને પોતાનું સ્વમાન તો હોય ને? એને એંજીનીયર બનાવવા રાતદા’ડો એક કર્યા અને પેટે પાટા બાંધીને ભણાવ્યો. છેલ્લા વીસ વર્ષોથી ઘરે સિલાઈ કામ કરીને પોતાના ભવિષ્યને બનાવનાર માબાપને દિકરાઓ એમના લાગણી અને અરમાનોને કચડી નાખવામાં જરાયે વિલંબ ન કરનાર દિકરાઓ ખરેખર દિકરા કહેવાને લાયક છે ખરા? દિ વાળે એ દિકરો બાકી છો(છોયેલ)..કરો(ભીંત) જે કશાય કામની નથી હોતી તેવા કરા સમાન જને? ભગવાન એમને સદબુદ્ધિ આપે”

શ્યામા અને હેતા દરવાજે ઊભા હતા. શ્યામા બોલી:”આટલું બધું વીતી ગયું અને અમને અણસાર સુદ્ધાંય ના આવ્યો આ કુદરતી ઈચ્છા અમને થઈ આવી અને આવી ચડ્યા..તે ય સારું થયું બાકી અમને તો ખબરજ ના પડતને કે તારી કેવી સ્થિતિ છે? સદા હસતી રહેતી સાહેલીના સ્વભાવને એના જ ઘરનું ગ્રહણ લાગ્યું. ખેર! આ દિવસોય જતાં રહેશે અને સૌ સારાં વાનાં થઈ જશે એકદિવસ એમને ય એમની ભૂલ સમજાશે. અમે તને આવા સમયે એકલી નહીં પડવા દઈએ તું તારી તબિયતની કાળજી રાખજે અને એક જ ફોન કરજે ગમેત્યારે.. અમે તુરત જ આવી લાગશું અને તારા દર્દને દૂર કરવામાં કઈંક સહભાગી બનીશું..પોતાને એકલી ના સમજતી અને હા સોહમની સામે ય તારા સિવાય કોણ જોવાવાળું છે? તો ખૂબ સમજી વિચારીને મનને શાંત રાખજે. તું તો ધાર્મિકવૃતિવાળી છે અને આમ આટલી જલ્દી આસ્થા ના ગુમાવતી સૌ સારાં વાનાં થઈ જશે. અમે ય આવતા રહીશું અને તું ય મળતી રહેજે. પોતાને એકલીના પાડી દેતી.” એમ કહીને વિદાય લીધી. મનમાં સહજ એક ખ્યાલ દોડી ગયો..”આ જીવન એક સંગ્રામ..પાર્થ ને કહેજો કે ચઢાવે બાણ.”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s