એક શમણું ફૂટ્યું મનની ધરાએ…

પ્રીતિ એ આજે એક તાલિમી કોલેજમાં પ્રવેશ લીધો અને પોતાના પિતા સાથે હોસ્ટેલ કેમ્પસમાં પ્રવેશ કર્યો. મનમાંને મનમાં એણે કેટલાંય શમણાંઓનાં બીજને ઓરી દીધાં હતાં. આ એક ઉંમરની લક્ષણિકતા છે અને શમણાં વાવવાં અને ઉછેરવાં એ સાહજિક પ્રક્રિયા છે. પ્રીતિના જીવનનો આ નવો જ અનુભવ કહેવાય. અત્યાર સુધીનું શિક્ષણ તેણે ગામ માં જ લીધું હતું. ગામડાના વાતાવરણથી તો તે સારી રીતે પરિચિત હતી પરંતુ તેને આ નવા માહોલમાં પ્રવેશવાના આનંદની સાથે  આશ્ચર્ય પણ થતું હતું. અહીંયા મને ગોઠશે કે કેમ? મારી નવી નવી સખીઓ કેવી હશે? એમની સાથે રહેવાની પણ મઝા આવશે. પપ્પાએ ઓફિસના કાઉન્ટર પર ફી વિગેરે ભરી લીધાં અને હવે દિકરીની સાથે તેને મૂકવા હોસ્ટેલ બાજુ જવા માટે બેગ અને બિસ્તરો ઊંચકી લીધાં. “અરેરે! પપ્પા તમે બધું જ ઊંચકી લેશો તો પછી હું શું કરીશ? લાવો  તો એમ કહીને પ્રીતિ તો પપ્પા પાસેથી બેગ લઈ લેવા લાગી. પપ્પાએ તુરંત કહ્યું,”ના બેટા ના. આજે તો નહીં જ લેવા દઉં.” એમ કહીને પપ્પા આગળને આગળ ચાલવા લાગ્યા. ઓફિસેથી બહેનોની હોસ્ટેલ બહુ દૂર નહોતી. હોસ્ટેલના ગૃહમાતાને મળ્યા અને પ્રીતિને એનો રૂમ બતાવ્યો. ગૃહમાતા નંદિની બહેને કહ્યું કે, ” આ રૂમમાં બીજી તમારા વર્ગની છોકરીઓ પણ આવશે. હું બાજુમાંના રૂમમાં જ રહું છું.કંઈ પણ તકલીફ હોય તો કહેવાનું હોં. જરાય અચકાવાનું નું નહીં હોંકે.” નંદિનીબહેનનો આવો માયાળુ સ્વભાવ જોઈને તુરતજ પ્રીતિને તેની માં સાંભળી આવી અને સ્હેજ આંખે ઝરમરિયાં આવવાની તૈયારી હતી. પણ ધીમેથી મોં ફેરવીને રૂમાલથી આંખોના ખૂણા સાફ કરી લીધા. એના પપ્પા પણ તેની સામું જોઈને કંઈક વિચારતા હોય એવું લાગ્યું એથી પ્રીતિ એ પૂછ્યું,”એ પપ્પા શું વિચારો છો? “પપ્પાએ જવાબ દીધો,”ના બેટા કંઈ નહીં.” પ્રીતિ સમજી ગઈ કે પપ્પા ય વિચારતા હશે કે એમને બધાને  પ્રીતિ વગર ઘરમાં સૂનુંસૂનું લાગશે.   તે અંદર રૂમમાં જઈને બેગ-બીસ્ત્રો મૂકી આવી. પ્રીતિ ના પપ્પા નંદિનીબહેન સાથે વાત કરતા હતાં, “ આમતો બહેન, આ મારી પ્રીતિનો હોસ્ટેલનો પહેલો જ અનુભવ છે. એનાથી કોઈ ભૂલચૂક થાય તો એને કે મને કહી શકો છો. આમતો એની કોઈ ફરીયાદ નહીં આવે. છતાંય અજાણ્યો વિસ્તાર અને માહોલ પણ અજાણ્યો છે એટલે ધીમે ધીમે અનુકુળ થઈ જશે.” નંદિની બહેન બોલ્યા,”વાંધો નહીં, એની ફિકર તમે જરાય ના કરતા. એ તો એને ધીમે ધીમે ફાવી જશે.” પ્રીતિના પપ્પા ઊભા થતા થતા બોલ્યા,” સારું ત્યારે, હવે હું બહેન રજા લઉં? અને પ્રીતિ તરફ જોતા બોલ્યા,”હું જાઉં છું ત્યારે લે આ થોડા પૈસા જરૂર પડ્યે કામ આવશે. અને ઘરની જરાય ચિંતા કરીશ નહીં ઘરકામ માટે તો તારી માં છેને ? માટે તું જરાય અહીં ફિકર ના કરતી. અમે બધું સંભાળી લઈશું. બહેનને જરૂર પડ્યે મદદ કરતી રહેજે. હું જાઉં ત્યારે?” એટલું કહેતા તો એમનીય આંખોના ખૂણા ભરાઈ આવ્યા. ખબર ના પડે તેમ થોડું પાછું જોઈને આંસુ રોકી રાખ્યા. પણ એમ કંઈ પ્રીતિ થી છુપાવી શકાતું હશે? એ તો પપ્પાની દિકરી નહીં દિકરાની ગરજ સારતી હતી. પ્રીતિએ જ આશ્વાસન આપ્યું,”મારી ફિકર ના કરતા પપ્પા. ધીમે ધીમે બધું ફાવી જશે એ તો.” પપ્પા એ ભાવભરી વિદાય લીધી. સમય મળે પ્રીતિને મળવા આવવાનું વચન આપીને.

પ્રીતિનો અહીંયા આવવાનો પ્રથમ દિવસ હતો. એના જેવા બીજા ઘણા વિદ્યાર્થી  અને વિદ્યાર્થીનિઓએ પ્રવેશ લીધો હતો તેઓ બધા આજે જ આવવાના હતા એટલે સૂચના મુજબ સાંજે જ હાજરી લેવાની હતી. માટે પ્રીતિ એ પોતાના રૂમમાં જઈને ફાળવેલા પલંગ પર પોતાનો બીસ્ત્રો ખોલીને જરૂરી સામાન ગોઠવવા લાગી.. બધો સામાન ગોઠવાઈ ગયા પછી પ્રીતિએ પલંગ પર આડા પડખે થઈ અને ક્યારે તે તંદ્રાવસ્થામાં પહોંચી ગઈ તે ખબર ય ના પડી..ફરી પાછું એનું એજ દ્રશ્ય દેખાવા લાગ્યું. નાનકડું કસ્બા જેવું રામપુર ગામ અને ગામની સીમા વટાવ્યા પછી ખેતરોની હારમાળ દેખાવા લાગી. જ્યાં તેના સરસ હરિયાળી ભરેલ ખેતરની યાદ સાથે જઈ પહોંચી પપ્પા અને મમ્મી સાથે ખેતરમાં જાતે નિંદણકામ કરતાં અને તેની બંન્ને નાની બહેનો રમતી દેખાઈ સરસ મઝાનું સાફસુધરું આંગણું અને નળિયાના છાપરા વાળું સરસ નાનકડું ઘર. જેની માટીની ગાર અને છાણથી લીંપીગૂંપીને બનાવેલ ભીંતો અને ગેરૂ થી એના પર ચિતરેલ મોર વડે શોભતી અને તેનું છાણથી જ લીંપેલ ભોંય તળિયું. પોતાના ખેતરમાં તેમનું એકલા નું જ ઘર. તેની એક મોટીબેન જે હાલ જ સાસરેથી ઘરે આવી હતી. એકદમ જ તેની આંખ ખુલી ગઈ સાંજે  હાજરી લેવા માટેનો બેલ વાગ્યો ત્યારે.

રૂમના બારણે નંદિની બહેનને ઊભેલા જોયાં અને એકદમ તે બેઠી થઈ ગઈ. નંદિનીબેન બોલ્યા,”આજે પહેલો દિવસ છે એટલે આવી હતી જોવા કે તું શું કરે છે? હવે તૈયાર થઈને જવાનું છે હાજરી લેવાશે. કેટલીક છોકરીઓ આવવાની બાકી છે.” પ્રીતિ બહાર મોં ધોવા રૂમાલ લઈને બાથરૂમ તરફ જવા લાગી. ત્યારે એણે બાજુની રૂમમાં બેઠેલી કેટલીક છોકરીઓને વાતો કરતી જોઈ. તે પણ જલ્દી જલ્દી તૈયાર થઈને હાજરી માટે પહોંચી ગઈ. ત્યાં પહેલા દિવસે સંસ્થાના પરિચય આપવામાં આવ્યો અને સાથે સાથે તેનાથી વિશેષ અવગત કરાવવા જૂના બીજા વર્ષના તાલિમાર્થી ને મોકલવામાં આવ્યો હતો જે બધું ગાઈડની માફક સમજાવતો જતો હતો. અહીંના મેદાન અલગ અલગ રમતગમતોના, વિશાળ જીમ્નેશ્યમ હોલ અને રંગભવન જ્યાં દરરોજ પ્રાર્થના અને હાજરી માટે ભેગા થવાનું. આ ઉપરાંત તરણકુંડ અને ભોજનાલય બધું મળીને એક વિશાળ સંકુલ અને ચારેબાજુ ઊભેલા વૃક્ષોથી સુંદર રમણીય વાતાવરણ લાગતું.

આ એક એવું કેમ્પ્સ છે કે જે વર્ષો જુનું અને જાણીતું છે. ત્યાં કોઈ પ્રદુષણ નહીં. સવાર સાંજ મેદાનમાંજ પ્રવૃતિ કરવાની અને ઊગતા અને આથમતા સૂરજદેવના દર્શન થાય એ જુદાં. સંસ્થાનો ઈતિહાસ પણ ઘણોજૂનો અને જાણીતો છે. તે સાંભળીને પ્રીતિને ખૂબજ ગમ્યું અને અહીં આવીને તે પોતાને ખુશનશીબ માનવા લાગી. પ્રથમ દિવસ આનંદદાયક રહ્યો. તેણે ભાવિ નું જોયેલ સપનું સાકાર કરવાનો તેણે અવસર મળ્યો એથી એના ઉમંગઉત્સાહ અનેકઘણો વધી ગયો અને એની સાથેસાથે નવા નવા મિત્રોનો અનુભવનો લ્હાવો મળશે એ જુદો.

દિવસો વિતતા ગયા પ્રીતિ મળતાવડા અને પરગજુ સ્વભાવને કારણે તેને હોસ્ટેલમાં સર્વાધિક પ્રિય થઈ પડી. પહેલેથી જ રમતગમત એને ખૂબજ ગમતાં અને અહીં એ અંગેની વિશેષ તાલિમ અને તંદુરસ્તી જાળવવાની સાથેસાથે અનેક વિષયોનું પ્રાયોગિક જ્ઞાન અને પ્રાથમિક વ્યાયમ શિક્ષક બનવાના શમણાંને સાકાર કરવા સજ્જ થવા લાગી. બે વર્ષ તો જોતજોતામાં પસાર થઈ જશે. એ વિચારે એનો જોમ અને જુસ્સો વધી જતો હતો. વચ્ચે રજાના દિવસે એના પપ્પા મળવા આવતા અને નાસ્તોય સાથે લેતા આવતા. આવી રીતે અન્ય બહેનપણીઓના પણ વાલી મળવા આવતા ત્યારે કંઈને કંઈ સાથે લઈ આવતા અને કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા હળીમળી શિસ્ત અને સંયમના પાઠની ય તાલિમ પામતા ગયા. પ્રીતિના પપ્પા એક શનિવારે મળીને ગયા ત્યારે તેને ઘર કોણ જાણે કેમ બહું યાદ આવવા લાગ્યું  હતું અને ઘરે આવવા અને મળવા હું જરૂર જઈશ રજા માંગીને એવું વિચારી લીધું હતું. એક બે વાર એણે એની સાથે પોતાના વતન તરફની એક બહેન પણી જે બીજા વર્ષમાં હતી તે શોભના સાથે ગઈ પણ ખરી પરંતુ પ્રિન્સીપાલ સાહેબે રજા આપવાની ના પાડી હતી એમ કહીને કે હવે થોડા દિવસોનાં મધ્યસત્રાંતની રજાઓ પડવાની જ છેને ત્યારે બધાને મળી લેજેને.

એક દિવસ અચાનક જ શોભનાએ પ્રીતિને કહ્યું કે,”પ્રીતિ આજે હું સાહેબ પાસે ઘરે રજા માંગવા ગઈ હતી ને ત્યારે એમણે મને કહ્યું કે આજે તારેય મારી સાથે આવવાનું છે. સાહેબે તને પણ આવવાની છૂટ આપી છે. તારે આવવું છેને? પ્રીતિ તો આ સાંભળીને ઊછળી પડી અને તેની તો ખુશીનો પારો ચઢી ગયો. એટલી બધી હરખમાં આવી ગઈ કે ન પૂછો ને વાત. તે શોભનાને ભેટી પડી અને કહેવા લાગી,”ના હોય! સાહેબે મને વગર માંગ્યે રજા આપી દીધી હું હમણાં જ તૈયારી થઈ જઉં  છું.” તે એટલી જલ્દી જલ્દી તૈયાર તહી ગઈ કે જાણે એને પાંખો ના લાગી ગઈ હોય! એનું મન તો ક્યારનું ય ઘરે પહોંચી ગયું. મનમાં ને મનમાં એટલી ખુશ હતી કે જાણે હમણાં પાંખો મળે તો હમણાં જ પહોંચી જાય. એટલી તાલાવેલી લાગી હતી અને નંદિની પાસે તુરત જ રજા લેવા ગઈ અને કહ્યું “ સારું શાંતિથી જજે. હોંને?” જતાં જતાં બીજી બહેનપણીઓને ય કહેતી ગઈ ,”આ વખતે હું ઘરેથી આવીશને તમારા માટે ઘણો બધો નાસ્તો લઈ આવીશ.” બધી બહેનપણીઓએ એને વિદાય આપી.

પ્રીતિ અને શોભના બસસ્ટેન્ડે પહોંચ્યા અને બસ તૈયાર જ ઊભી હતી. બંને સાથે બેઠા પ્રીતિએ પૂછ્યું,”શોભા, તું ચાલને મારા ઘરે. મઝા આવશે.” શોભના બોલી,” ફરી ક્યારેક આજે તો મારા ઘરે જ અગત્યનું કામ છે.” પ્રીતિ જ બોલ્યે રાખતી હતી અને શોભના હકારમાં ને નકારમાં માથું હલાવ્યે રાખતી. એક ક્ષણે તો પ્રીતિને થયું હું એકલી બહું બોલબોલ કરું છું કેમ? સ્વગત બબડીય ખરી હશે કંઈ નહીં. એ તો ક્યારનીય ઘરે પહોંચી ગઈ હતી. તેમનું ઊતરવાનું સ્ટેન્ડ આવ્યું એટલે શોભના બોલી,”ચાલ ગોધરા આવી ગયું. હવે આપણે છૂટા પડવાનું છે. તને તારા બનેવી લેવા આવશે એવી મને સાહેબે વાત કરી હતી.” પ્રીતિને મનમાં થયું કે જીજાજીએ જ સાહેબ ઉપર ફોન કર્યો હશે. કદાચ..એક આશંકાની સોય મનમાં ભોંકાઈ ગઈ હશે પપ્પા એજ એમને ફોન કરવા કહ્યું હશે. એવું વિચારીને મન શાંત કરી દીધું. ખેર! ઘરે જઈશ ત્યારે ખબર પડશે જ ને! તે બસમાંથી ઊતરીને જીજાજી તેને લેવા આવ્યા જ હતા. તે તો ખુશ થઈ ગઈ. પ્રીતિ બોલી,”ઓહો જીજાજી કેમ છો? આજે તો તમારો વારો આવ્યો મને પપ્પા લેવા ના આવ્યા? આ તમારી આંખોને શું થયુ છે? આટલી બધી લાલલાલ કેમ છે?” જીજાજી બોલ્યા,”કંઈનહીં આતો રાત્રે સ્હેજ મોડી ઊંઘ આવી’તી.” આમેય જીજાજી ઓછું બોલતા એટલે પ્રીતિએ વધુ કંઈ પૂછ્યું નહીં. તેમની બાઈક પર બેસી ગઈ. હવે પંદરવીસ મીનિટની જ વાર છેને?” ઘરે  પહોંચતા પહેલાં પ્રીતિએ ઘર તરફ દૂરથી જોયું કે આજ કોઈ બહાર આંગણામાં કોઈ દેખાતું કેમ નથી એમ મનમાં થયું હમણાં ખબર પડશે સ્વગત મનમાં બબડી ય ખરી. ઘરના બારણા પાસે અંદર પહોંચી ને નજર નાંખી તો તે હેબતાઈ જ ગઈ! આશું? તેનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં. બધી શક્તિ જાણે હણાઈ ગઈ હોય તેમ તે તો અંદરનું દ્રશ્ય જોતાં જ તેની આંખે અંધારા આવી ગયાં અને પોક મૂકી ને રડી પડી “ઓ પપ્પા ઓ મમ્મી આ તમને શું થઈ ગયું? આમ અચાનક કેવી રીતે મને મૂકીને ચાલ્યા જવાનું હોય? હું અનાથ બની ગઈ? કોઈ તો કહો આમને શું થયું આમ અચાનક એમને શું થઈ ગયું? બંને ની નનામીઓ એકસાથે જોઈને.. તેનું આક્રંદ સાંભળીને ભલભલાની છાતી બેસી જાય અને એને જોઈને બે નાની બહેનોય જોરજોરથી રડવા લાગી અને વાતાવરણ ગમગીનિ અને શોકમાં બદલાઈ ગયું. મોટી બહેને તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું,” જો પ્રીતિ મારી સામું જો. આપણા માબાપ આમતો જાય તેવા હરગીજ નહોતા મારી ઉપર પણ અચાનક પેલા ગામમાંથી ભલાકાકાનો ફોન આવ્યો ત્યારે જ મને ખબર પડી. આમ એવું અચાનક કેવી રીતે બની શકે. મારા ય માન્યામાં નથી આવ્યું પણ હકીકત જે બનવાની તે બની ને જ રહી છે. જેવો ફોન મળ્યો કે પહેરેલ કપડે જ અમે દોડ્યા છીએ. મમ્મી કૂવેથી પાણે ભરવા ગઈ ત્યાં અચાનક કંઈ તૂટવાનો અવાજ આવ્યો અને મમ્મીથી એક ચીસ નિકળી ગઈ અને તે કૂવામાં પડી ગઈ અને પપ્પા થોડે દૂર ખેતરમાં કામ કરતા હતા ને અચાનક તેમને મમ્મીનો અવાજ સંભળાયો ને તે પણ દોડ્યા માની બચાવા અને એય કૂવામાં ખાબક્યા. અને જોત જોતામાં તો બધા ભેગા થાય પહેલા તો લાશ બનીને બહાર આવ્યા.એટલું કહેતાં તેને ડુસકું આવી ગયું. ફરી સ્વસ્થ થઈને બોલી,” જો પ્રીતિ હવે તું રડીશ તો આબે નાની બહેનોની સામું કોણ જોશે? એમ શાંત્વન આપતાં બોલી. બધી ક્રિયાકર્મ વિધિ પતાવીને હવે સ્મશાનેથી પરત આવ્યા.સૌ તેને શાંત્વન આપીને ચાલ્યા ગયા. સાહેબનો પણ આશ્વાસનનો ફોન આવ્યો અને બધાના સાથ સહયોગથી પ્રીતિ એ હિંમત મેળવી ને એક લક્ષ રાખીને પોતાનો તાલિમકાળ પૂરો કરીને ઘરે આવી ત્યાં સુધીની ખેતીની અને બહેનોની જવાબદારી મોટી બહેબનેવીએ સંભાળી લીધી.

આ દિવસો ધીમે ધીમે વીતતા ચાલ્યા તેમ તેમ પરિસ્થિતિ થાળે પડતી ગઈ અને પ્રીતિ એ પણ તાલિમકાળ પૂરો કરીને મનમાં એક લક્ષ જ લઈને આગળ ધપતી ચાલી. માતાપિતાની જીમ્મેવારી તમામ ઉઠાવી લઈને તેમના શમણાંને સાકાર કરવા નજીકના ગામમાં શિક્ષિકાની નોકરી સ્વીકારી ને એક જ ધ્યેય અને એક જ લક્ષ લઈને જીવનની ધરાએ વાવેલ શમણાંને પૂરા કરવા લાગી ગઈ, આજે બંને બહેનોને સારી ભણાવી ને તેમના સંસારમા વ્યસ્ત છે. હજી પ્રીતિ પોતાની ફરજ સંભાળે છે અને સમાજ સેવામાં વ્યસ્ત બની ગઈ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s