એક શમણું ફૂટ્યું મનની ધરાએ…

પ્રીતિ એ આજે એક તાલિમી કોલેજમાં પ્રવેશ લીધો અને પોતાના પિતા સાથે હોસ્ટેલ કેમ્પસમાં પ્રવેશ કર્યો. મનમાંને મનમાં એણે કેટલાંય શમણાંઓનાં બીજને ઓરી દીધાં હતાં. આ એક ઉંમરની લક્ષણિકતા છે અને શમણાં વાવવાં અને ઉછેરવાં એ સાહજિક પ્રક્રિયા છે. પ્રીતિના જીવનનો આ નવો જ અનુભવ કહેવાય. અત્યાર સુધીનું શિક્ષણ તેણે ગામ માં જ લીધું હતું. ગામડાના વાતાવરણથી તો તે સારી રીતે પરિચિત હતી પરંતુ તેને આ નવા માહોલમાં પ્રવેશવાના આનંદની સાથે  આશ્ચર્ય પણ થતું હતું. અહીંયા મને ગોઠશે કે કેમ? મારી નવી નવી સખીઓ કેવી હશે? એમની સાથે રહેવાની પણ મઝા આવશે. પપ્પાએ ઓફિસના કાઉન્ટર પર ફી વિગેરે ભરી લીધાં અને હવે દિકરીની સાથે તેને મૂકવા હોસ્ટેલ બાજુ જવા માટે બેગ અને બિસ્તરો ઊંચકી લીધાં. “અરેરે! પપ્પા તમે બધું જ ઊંચકી લેશો તો પછી હું શું કરીશ? લાવો  તો એમ કહીને પ્રીતિ તો પપ્પા પાસેથી બેગ લઈ લેવા લાગી. પપ્પાએ તુરંત કહ્યું,”ના બેટા ના. આજે તો નહીં જ લેવા દઉં.” એમ કહીને પપ્પા આગળને આગળ ચાલવા લાગ્યા. ઓફિસેથી બહેનોની હોસ્ટેલ બહુ દૂર નહોતી. હોસ્ટેલના ગૃહમાતાને મળ્યા અને પ્રીતિને એનો રૂમ બતાવ્યો. ગૃહમાતા નંદિની બહેને કહ્યું કે, ” આ રૂમમાં બીજી તમારા વર્ગની છોકરીઓ પણ આવશે. હું બાજુમાંના રૂમમાં જ રહું છું.કંઈ પણ તકલીફ હોય તો કહેવાનું હોં. જરાય અચકાવાનું નું નહીં હોંકે.” નંદિનીબહેનનો આવો માયાળુ સ્વભાવ જોઈને તુરતજ પ્રીતિને તેની માં સાંભળી આવી અને સ્હેજ આંખે ઝરમરિયાં આવવાની તૈયારી હતી. પણ ધીમેથી મોં ફેરવીને રૂમાલથી આંખોના ખૂણા સાફ કરી લીધા. એના પપ્પા પણ તેની સામું જોઈને કંઈક વિચારતા હોય એવું લાગ્યું એથી પ્રીતિ એ પૂછ્યું,”એ પપ્પા શું વિચારો છો? “પપ્પાએ જવાબ દીધો,”ના બેટા કંઈ નહીં.” પ્રીતિ સમજી ગઈ કે પપ્પા ય વિચારતા હશે કે એમને બધાને  પ્રીતિ વગર ઘરમાં સૂનુંસૂનું લાગશે.   તે અંદર રૂમમાં જઈને બેગ-બીસ્ત્રો મૂકી આવી. પ્રીતિ ના પપ્પા નંદિનીબહેન સાથે વાત કરતા હતાં, “ આમતો બહેન, આ મારી પ્રીતિનો હોસ્ટેલનો પહેલો જ અનુભવ છે. એનાથી કોઈ ભૂલચૂક થાય તો એને કે મને કહી શકો છો. આમતો એની કોઈ ફરીયાદ નહીં આવે. છતાંય અજાણ્યો વિસ્તાર અને માહોલ પણ અજાણ્યો છે એટલે ધીમે ધીમે અનુકુળ થઈ જશે.” નંદિની બહેન બોલ્યા,”વાંધો નહીં, એની ફિકર તમે જરાય ના કરતા. એ તો એને ધીમે ધીમે ફાવી જશે.” પ્રીતિના પપ્પા ઊભા થતા થતા બોલ્યા,” સારું ત્યારે, હવે હું બહેન રજા લઉં? અને પ્રીતિ તરફ જોતા બોલ્યા,”હું જાઉં છું ત્યારે લે આ થોડા પૈસા જરૂર પડ્યે કામ આવશે. અને ઘરની જરાય ચિંતા કરીશ નહીં ઘરકામ માટે તો તારી માં છેને ? માટે તું જરાય અહીં ફિકર ના કરતી. અમે બધું સંભાળી લઈશું. બહેનને જરૂર પડ્યે મદદ કરતી રહેજે. હું જાઉં ત્યારે?” એટલું કહેતા તો એમનીય આંખોના ખૂણા ભરાઈ આવ્યા. ખબર ના પડે તેમ થોડું પાછું જોઈને આંસુ રોકી રાખ્યા. પણ એમ કંઈ પ્રીતિ થી છુપાવી શકાતું હશે? એ તો પપ્પાની દિકરી નહીં દિકરાની ગરજ સારતી હતી. પ્રીતિએ જ આશ્વાસન આપ્યું,”મારી ફિકર ના કરતા પપ્પા. ધીમે ધીમે બધું ફાવી જશે એ તો.” પપ્પા એ ભાવભરી વિદાય લીધી. સમય મળે પ્રીતિને મળવા આવવાનું વચન આપીને.

પ્રીતિનો અહીંયા આવવાનો પ્રથમ દિવસ હતો. એના જેવા બીજા ઘણા વિદ્યાર્થી  અને વિદ્યાર્થીનિઓએ પ્રવેશ લીધો હતો તેઓ બધા આજે જ આવવાના હતા એટલે સૂચના મુજબ સાંજે જ હાજરી લેવાની હતી. માટે પ્રીતિ એ પોતાના રૂમમાં જઈને ફાળવેલા પલંગ પર પોતાનો બીસ્ત્રો ખોલીને જરૂરી સામાન ગોઠવવા લાગી.. બધો સામાન ગોઠવાઈ ગયા પછી પ્રીતિએ પલંગ પર આડા પડખે થઈ અને ક્યારે તે તંદ્રાવસ્થામાં પહોંચી ગઈ તે ખબર ય ના પડી..ફરી પાછું એનું એજ દ્રશ્ય દેખાવા લાગ્યું. નાનકડું કસ્બા જેવું રામપુર ગામ અને ગામની સીમા વટાવ્યા પછી ખેતરોની હારમાળ દેખાવા લાગી. જ્યાં તેના સરસ હરિયાળી ભરેલ ખેતરની યાદ સાથે જઈ પહોંચી પપ્પા અને મમ્મી સાથે ખેતરમાં જાતે નિંદણકામ કરતાં અને તેની બંન્ને નાની બહેનો રમતી દેખાઈ સરસ મઝાનું સાફસુધરું આંગણું અને નળિયાના છાપરા વાળું સરસ નાનકડું ઘર. જેની માટીની ગાર અને છાણથી લીંપીગૂંપીને બનાવેલ ભીંતો અને ગેરૂ થી એના પર ચિતરેલ મોર વડે શોભતી અને તેનું છાણથી જ લીંપેલ ભોંય તળિયું. પોતાના ખેતરમાં તેમનું એકલા નું જ ઘર. તેની એક મોટીબેન જે હાલ જ સાસરેથી ઘરે આવી હતી. એકદમ જ તેની આંખ ખુલી ગઈ સાંજે  હાજરી લેવા માટેનો બેલ વાગ્યો ત્યારે.

રૂમના બારણે નંદિની બહેનને ઊભેલા જોયાં અને એકદમ તે બેઠી થઈ ગઈ. નંદિનીબેન બોલ્યા,”આજે પહેલો દિવસ છે એટલે આવી હતી જોવા કે તું શું કરે છે? હવે તૈયાર થઈને જવાનું છે હાજરી લેવાશે. કેટલીક છોકરીઓ આવવાની બાકી છે.” પ્રીતિ બહાર મોં ધોવા રૂમાલ લઈને બાથરૂમ તરફ જવા લાગી. ત્યારે એણે બાજુની રૂમમાં બેઠેલી કેટલીક છોકરીઓને વાતો કરતી જોઈ. તે પણ જલ્દી જલ્દી તૈયાર થઈને હાજરી માટે પહોંચી ગઈ. ત્યાં પહેલા દિવસે સંસ્થાના પરિચય આપવામાં આવ્યો અને સાથે સાથે તેનાથી વિશેષ અવગત કરાવવા જૂના બીજા વર્ષના તાલિમાર્થી ને મોકલવામાં આવ્યો હતો જે બધું ગાઈડની માફક સમજાવતો જતો હતો. અહીંના મેદાન અલગ અલગ રમતગમતોના, વિશાળ જીમ્નેશ્યમ હોલ અને રંગભવન જ્યાં દરરોજ પ્રાર્થના અને હાજરી માટે ભેગા થવાનું. આ ઉપરાંત તરણકુંડ અને ભોજનાલય બધું મળીને એક વિશાળ સંકુલ અને ચારેબાજુ ઊભેલા વૃક્ષોથી સુંદર રમણીય વાતાવરણ લાગતું.

આ એક એવું કેમ્પ્સ છે કે જે વર્ષો જુનું અને જાણીતું છે. ત્યાં કોઈ પ્રદુષણ નહીં. સવાર સાંજ મેદાનમાંજ પ્રવૃતિ કરવાની અને ઊગતા અને આથમતા સૂરજદેવના દર્શન થાય એ જુદાં. સંસ્થાનો ઈતિહાસ પણ ઘણોજૂનો અને જાણીતો છે. તે સાંભળીને પ્રીતિને ખૂબજ ગમ્યું અને અહીં આવીને તે પોતાને ખુશનશીબ માનવા લાગી. પ્રથમ દિવસ આનંદદાયક રહ્યો. તેણે ભાવિ નું જોયેલ સપનું સાકાર કરવાનો તેણે અવસર મળ્યો એથી એના ઉમંગઉત્સાહ અનેકઘણો વધી ગયો અને એની સાથેસાથે નવા નવા મિત્રોનો અનુભવનો લ્હાવો મળશે એ જુદો.

દિવસો વિતતા ગયા પ્રીતિ મળતાવડા અને પરગજુ સ્વભાવને કારણે તેને હોસ્ટેલમાં સર્વાધિક પ્રિય થઈ પડી. પહેલેથી જ રમતગમત એને ખૂબજ ગમતાં અને અહીં એ અંગેની વિશેષ તાલિમ અને તંદુરસ્તી જાળવવાની સાથેસાથે અનેક વિષયોનું પ્રાયોગિક જ્ઞાન અને પ્રાથમિક વ્યાયમ શિક્ષક બનવાના શમણાંને સાકાર કરવા સજ્જ થવા લાગી. બે વર્ષ તો જોતજોતામાં પસાર થઈ જશે. એ વિચારે એનો જોમ અને જુસ્સો વધી જતો હતો. વચ્ચે રજાના દિવસે એના પપ્પા મળવા આવતા અને નાસ્તોય સાથે લેતા આવતા. આવી રીતે અન્ય બહેનપણીઓના પણ વાલી મળવા આવતા ત્યારે કંઈને કંઈ સાથે લઈ આવતા અને કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા હળીમળી શિસ્ત અને સંયમના પાઠની ય તાલિમ પામતા ગયા. પ્રીતિના પપ્પા એક શનિવારે મળીને ગયા ત્યારે તેને ઘર કોણ જાણે કેમ બહું યાદ આવવા લાગ્યું  હતું અને ઘરે આવવા અને મળવા હું જરૂર જઈશ રજા માંગીને એવું વિચારી લીધું હતું. એક બે વાર એણે એની સાથે પોતાના વતન તરફની એક બહેન પણી જે બીજા વર્ષમાં હતી તે શોભના સાથે ગઈ પણ ખરી પરંતુ પ્રિન્સીપાલ સાહેબે રજા આપવાની ના પાડી હતી એમ કહીને કે હવે થોડા દિવસોનાં મધ્યસત્રાંતની રજાઓ પડવાની જ છેને ત્યારે બધાને મળી લેજેને.

એક દિવસ અચાનક જ શોભનાએ પ્રીતિને કહ્યું કે,”પ્રીતિ આજે હું સાહેબ પાસે ઘરે રજા માંગવા ગઈ હતી ને ત્યારે એમણે મને કહ્યું કે આજે તારેય મારી સાથે આવવાનું છે. સાહેબે તને પણ આવવાની છૂટ આપી છે. તારે આવવું છેને? પ્રીતિ તો આ સાંભળીને ઊછળી પડી અને તેની તો ખુશીનો પારો ચઢી ગયો. એટલી બધી હરખમાં આવી ગઈ કે ન પૂછો ને વાત. તે શોભનાને ભેટી પડી અને કહેવા લાગી,”ના હોય! સાહેબે મને વગર માંગ્યે રજા આપી દીધી હું હમણાં જ તૈયારી થઈ જઉં  છું.” તે એટલી જલ્દી જલ્દી તૈયાર તહી ગઈ કે જાણે એને પાંખો ના લાગી ગઈ હોય! એનું મન તો ક્યારનું ય ઘરે પહોંચી ગયું. મનમાં ને મનમાં એટલી ખુશ હતી કે જાણે હમણાં પાંખો મળે તો હમણાં જ પહોંચી જાય. એટલી તાલાવેલી લાગી હતી અને નંદિની પાસે તુરત જ રજા લેવા ગઈ અને કહ્યું “ સારું શાંતિથી જજે. હોંને?” જતાં જતાં બીજી બહેનપણીઓને ય કહેતી ગઈ ,”આ વખતે હું ઘરેથી આવીશને તમારા માટે ઘણો બધો નાસ્તો લઈ આવીશ.” બધી બહેનપણીઓએ એને વિદાય આપી.

પ્રીતિ અને શોભના બસસ્ટેન્ડે પહોંચ્યા અને બસ તૈયાર જ ઊભી હતી. બંને સાથે બેઠા પ્રીતિએ પૂછ્યું,”શોભા, તું ચાલને મારા ઘરે. મઝા આવશે.” શોભના બોલી,” ફરી ક્યારેક આજે તો મારા ઘરે જ અગત્યનું કામ છે.” પ્રીતિ જ બોલ્યે રાખતી હતી અને શોભના હકારમાં ને નકારમાં માથું હલાવ્યે રાખતી. એક ક્ષણે તો પ્રીતિને થયું હું એકલી બહું બોલબોલ કરું છું કેમ? સ્વગત બબડીય ખરી હશે કંઈ નહીં. એ તો ક્યારનીય ઘરે પહોંચી ગઈ હતી. તેમનું ઊતરવાનું સ્ટેન્ડ આવ્યું એટલે શોભના બોલી,”ચાલ ગોધરા આવી ગયું. હવે આપણે છૂટા પડવાનું છે. તને તારા બનેવી લેવા આવશે એવી મને સાહેબે વાત કરી હતી.” પ્રીતિને મનમાં થયું કે જીજાજીએ જ સાહેબ ઉપર ફોન કર્યો હશે. કદાચ..એક આશંકાની સોય મનમાં ભોંકાઈ ગઈ હશે પપ્પા એજ એમને ફોન કરવા કહ્યું હશે. એવું વિચારીને મન શાંત કરી દીધું. ખેર! ઘરે જઈશ ત્યારે ખબર પડશે જ ને! તે બસમાંથી ઊતરીને જીજાજી તેને લેવા આવ્યા જ હતા. તે તો ખુશ થઈ ગઈ. પ્રીતિ બોલી,”ઓહો જીજાજી કેમ છો? આજે તો તમારો વારો આવ્યો મને પપ્પા લેવા ના આવ્યા? આ તમારી આંખોને શું થયુ છે? આટલી બધી લાલલાલ કેમ છે?” જીજાજી બોલ્યા,”કંઈનહીં આતો રાત્રે સ્હેજ મોડી ઊંઘ આવી’તી.” આમેય જીજાજી ઓછું બોલતા એટલે પ્રીતિએ વધુ કંઈ પૂછ્યું નહીં. તેમની બાઈક પર બેસી ગઈ. હવે પંદરવીસ મીનિટની જ વાર છેને?” ઘરે  પહોંચતા પહેલાં પ્રીતિએ ઘર તરફ દૂરથી જોયું કે આજ કોઈ બહાર આંગણામાં કોઈ દેખાતું કેમ નથી એમ મનમાં થયું હમણાં ખબર પડશે સ્વગત મનમાં બબડી ય ખરી. ઘરના બારણા પાસે અંદર પહોંચી ને નજર નાંખી તો તે હેબતાઈ જ ગઈ! આશું? તેનાં ગાત્રો ઢીલાં થઈ ગયાં. બધી શક્તિ જાણે હણાઈ ગઈ હોય તેમ તે તો અંદરનું દ્રશ્ય જોતાં જ તેની આંખે અંધારા આવી ગયાં અને પોક મૂકી ને રડી પડી “ઓ પપ્પા ઓ મમ્મી આ તમને શું થઈ ગયું? આમ અચાનક કેવી રીતે મને મૂકીને ચાલ્યા જવાનું હોય? હું અનાથ બની ગઈ? કોઈ તો કહો આમને શું થયું આમ અચાનક એમને શું થઈ ગયું? બંને ની નનામીઓ એકસાથે જોઈને.. તેનું આક્રંદ સાંભળીને ભલભલાની છાતી બેસી જાય અને એને જોઈને બે નાની બહેનોય જોરજોરથી રડવા લાગી અને વાતાવરણ ગમગીનિ અને શોકમાં બદલાઈ ગયું. મોટી બહેને તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું,” જો પ્રીતિ મારી સામું જો. આપણા માબાપ આમતો જાય તેવા હરગીજ નહોતા મારી ઉપર પણ અચાનક પેલા ગામમાંથી ભલાકાકાનો ફોન આવ્યો ત્યારે જ મને ખબર પડી. આમ એવું અચાનક કેવી રીતે બની શકે. મારા ય માન્યામાં નથી આવ્યું પણ હકીકત જે બનવાની તે બની ને જ રહી છે. જેવો ફોન મળ્યો કે પહેરેલ કપડે જ અમે દોડ્યા છીએ. મમ્મી કૂવેથી પાણે ભરવા ગઈ ત્યાં અચાનક કંઈ તૂટવાનો અવાજ આવ્યો અને મમ્મીથી એક ચીસ નિકળી ગઈ અને તે કૂવામાં પડી ગઈ અને પપ્પા થોડે દૂર ખેતરમાં કામ કરતા હતા ને અચાનક તેમને મમ્મીનો અવાજ સંભળાયો ને તે પણ દોડ્યા માની બચાવા અને એય કૂવામાં ખાબક્યા. અને જોત જોતામાં તો બધા ભેગા થાય પહેલા તો લાશ બનીને બહાર આવ્યા.એટલું કહેતાં તેને ડુસકું આવી ગયું. ફરી સ્વસ્થ થઈને બોલી,” જો પ્રીતિ હવે તું રડીશ તો આબે નાની બહેનોની સામું કોણ જોશે? એમ શાંત્વન આપતાં બોલી. બધી ક્રિયાકર્મ વિધિ પતાવીને હવે સ્મશાનેથી પરત આવ્યા.સૌ તેને શાંત્વન આપીને ચાલ્યા ગયા. સાહેબનો પણ આશ્વાસનનો ફોન આવ્યો અને બધાના સાથ સહયોગથી પ્રીતિ એ હિંમત મેળવી ને એક લક્ષ રાખીને પોતાનો તાલિમકાળ પૂરો કરીને ઘરે આવી ત્યાં સુધીની ખેતીની અને બહેનોની જવાબદારી મોટી બહેબનેવીએ સંભાળી લીધી.

આ દિવસો ધીમે ધીમે વીતતા ચાલ્યા તેમ તેમ પરિસ્થિતિ થાળે પડતી ગઈ અને પ્રીતિ એ પણ તાલિમકાળ પૂરો કરીને મનમાં એક લક્ષ જ લઈને આગળ ધપતી ચાલી. માતાપિતાની જીમ્મેવારી તમામ ઉઠાવી લઈને તેમના શમણાંને સાકાર કરવા નજીકના ગામમાં શિક્ષિકાની નોકરી સ્વીકારી ને એક જ ધ્યેય અને એક જ લક્ષ લઈને જીવનની ધરાએ વાવેલ શમણાંને પૂરા કરવા લાગી ગઈ, આજે બંને બહેનોને સારી ભણાવી ને તેમના સંસારમા વ્યસ્ત છે. હજી પ્રીતિ પોતાની ફરજ સંભાળે છે અને સમાજ સેવામાં વ્યસ્ત બની ગઈ.

Advertisements

વાતને રસ્તે વળવું નથી…..

 

 

 

આસ્થા અને અમર બંને નાનપણના મિત્રો હતા આસ્થાનો સ્વભાવ થોડો ચંચળ અને રમતિયાળ હતો. જ્યારે અમર શરમાળ અને ભણાવામાં વિશેષ રૂચી ધરાવતો હતો. ન્યાતિજાતિ બંન્નેવની જુદી જુદી હતી. પણ બચપણ આ બધાથી પર હોય છે. આસ્થા અને અમર પ્રાથમિક શાળાથી જ સાથે ભણતા હતા. છુટી દરમ્યાન આસ્થા તો ચાલના અન્ય બાળકોની સાથે રમવા નિકળી પડતી. ક્યારેક અમર પણ રમવા આવતો. ત્યાર પછીનું માધ્યમિક શિક્ષણ પણ સાથે જ લીધું અને તે સમય દરમ્યાન બંનેં પડોશી બની ગયા. હવે તો આસ્થા તેના ઘરે પડોશના નાતે મોટો સમય રહેવા લાગી અને અમરના બા ને માશી માશી કહેતી કહેતી તેની જીભ પણ સુકાતી નહોતી. ક્યારેક તેમને કામમાં મદદ કરતી. આસ્થાને તેના પિતાજી નિવૃત થવાને કારણે બે વર્ષ પછી બીજે રહેવા જવાનું થયું. પણ બહુ દૂર ન કહી શકાય. ક્યારેક આસ્થા સાયકલ ચલાવીને તેના ઘરે બધાને અને ભેરુ અમરને ખાસ મળાય તે રીતે જતી રહેતી.

સમયના વ્હેણની સાથે બંનેના મનોભાવો ક્યારે એકબીજા પ્રત્યે લગાવમાં પરિણમતા ચાલ્યા તેની ખુદ તેઓને ય ખબર નહીં હોય અને કદાચ એક તરુણીનું મન આ બધી બાબતો પ્રત્યે વધુ વહેલું પરિપક્વ બનતું હોય છે. તેમ આસ્થાનું મન પણ ક્યારે કરવટ બદલવા લાગ્યું તે નો અહેસાસ થતો હતો ખરો. પણ તે ભીતરમાં જ રહેતો અને જોતજોતામાં જ બંનેવ કોલેજમાં આવી ગયા ત્યારે તેઓ છૂટા પડી ગયા. બંનેવની અલગ અલગ કોલેજ હતી. આસ્થા કોમર્સ માં હતી ત્યારે ઘરમાં પિતાની આવક નહોતી એટલે તેની બા ખૂબ જ થોડા પૈસા ખર્ચ કરવા આપતી. કોલેજનું અંતર ઘરથી ત્રણેક કિલોમીટરનું અંતર હતું. બસનો પાસ કઢાવી અને અપડાઉન કરતી. તેની સાથે ભણતી બેએક સખીઓ સિવાય ઝાઝું મિત્ર વર્તુળ નહોંતુ. એના મનમાં થતું આપણાથી શ્રીમંત ની દોસ્તી ના કરાય તેમાટે ખર્ચ કરવા વધુ પૈસા જોઈએ ને? જે આપણી પાસે ક્યાંછે? લગભગ કોલેજના બીજાવર્ષમાં કદાચ આસ્થા હશે. એકદિવસ જ્યારે તે કોલેજેથી બપોરના સમયે છૂટીને ઘરે જવા બસસ્ટેન્ડે ઊભી હતી ત્યારે અચાનક જ અમર પણ ત્યાં આવ્યો. કદાચ એ પણ ભણવા માટે અપડાઉન કરતો હશે. બંનેની નજર એક થઈ અને ઘડીભર મૂંઝાઈને એકબીજાને અપરિચિતની માફક જોતાં જ રહ્યાં. કોણ પહેલ કરે? અને બંનેના હોઠ એક્સાથે કંઈ કહેવા ફડફડ્યા અને આસ્થા બોલી;” તું અમર?” અમરે પૂછ્યું,  “ તું આસ્થા?” અને એક વાચાનો સેતુ રચાઈ ગયો. બહુદિવસે મળ્યાં ખરુંને અમર ?તું અહીંયા..વાક્ય પૂરું કરે તે પહેલાં અમર બોલી ઉઠ્યો.:”હા હું ય અહીં જ ભણું છું એન્જીનીયરીંગમાં”. સરસ તું તો પહેલે થી જ મહેનતું અને હોંશિયાર હતોને? આસ્થા બોલી. ત્યારબાદ ક્યારેક ક્યારેક બંનેવની મુલાકાતો વધવા લાગી. બંનેવના પરિવાર જનો તો એક બીજાથી પરિચિત તો હતાં જ. આસ્થાને ઊંડેઊંડે મનમાંને મનમાં અમર પ્રત્યે લગાવ વધતો ગયો તેની તેને ખબરય ના પડી.

 

એકદિવસ કોલેજ છૂટ્યા બાદ અમર અને આસ્થા બસ સ્ટેન્ડે જવા રવાના થયા ત્યારે અમરે આસ્થાને કહી જ નાંખ્યું,” આજે ટોકિઝમાં સરસ જુનું પિક્ચર “ગૂંજ ઊઠી શહનાઈ” પડ્યું છે. તે જોવા જઈએ? અસ્થા થોડી વિમાસણમાં પડી ગઈ કારણ તેની બા થોડી કડક મિજાજની હતી. અમરે આશ્વાસન આપ્યું:”ચિંતા ના કર, સાંજે છએક વાગ્યે ઘરે પહોંચી જવાશે. કોઈ કારણ શોધી રાખજે.”  આસ્થા શું કરે? અંદરથી એક્તરફ પિક્ચર જોવાનું દિલ પણ થતું અને આરીતે પહેલી વખત જોવા જવાનો ગભરાટ ય હતો. પણ ક્યારે “હા’’  કહેવાઈ ગયું અને પાછી મૂંડી ય નકારમાં હલાવવા લાગી.  અમરે કહ્યું,” ગમે તે એક જ વિચાર”. આમતો તે સાવ અજાણ્યો નથી મારાથી એમ વિચારી ને આસ્થા એ તેથી હા કહી દીધી. આખા પિક્ચર દરમ્યાન તે પોતાની બાલ્યાવસ્થાને સરખાવતી રહી… વિચારતી કે કાશ! આવો બચપણનો પ્યાર મને પણ મળી જાય તો?!  આવા વિચાર ની તંદ્રાને તોડતા અમરે કહ્યું,” હજી શું વિચારે છે? પિક્ચર છૂટી ગયું..પહેલી વખત અમરે કહ્યું.”હજી આપણી પાસે થોડો સમય છેતો થોડે દૂર સુધી ટહેલતા જઈએ?”  અને બંને બહુ ખાસ જ્યાં અવરજવર ન્હોતી એવા રસ્તા પર જ્યાં થોડું થોડું ઘાસ અને વૃક્ષો હતા ત્યાં થોડી વાર બેઠાં. આમેય તેઓ એટલા બધા પૈસાદાર ન્હોતા કે હોટલ કે અન્યત્ર જગ્યાએ પૈસા ખર્ચી શકે. વાતનો દોર આગળ ચલાવતાં  આસ્થાએ અમરને પૂછ્યું.”તું ભણી લીધા પછી કેવી જીવન સંગીનિ પસંદ કરીશ? ભણેલી અને  નોકરી કરતી?”  અમરે કહ્યું, “ભણેલી કદાચ હોય પણ નોકરી કરતી તો નહીંજ…શું તું મારી પહેલી પસંદ બનીશ?”  આસ્થાએ કહ્યું, “ હું તો નોકરી ય કરીશ.”  અમરે કહ્યું,  “  ના હોં, મારે નથી કરાવવી .હું થાક્યોપાક્યો નોકરી કરીને ઘરે આવું તો માર બૂટની દોરી છોડવા ય કોઈ તો જોઈએને?”  આસ્થા મનોમન તો રાજી ના રેડ થઈ ગઈ! અને ભાવિના સપનાં ય જોવા લાગી. તેને ખાત્રી થઈ ગઈ કે હવે તો મને અમર પસંદ કરે છે. કંઈ! કેટલાય સુમનો તેના મનબાગમાં મ્હોંરી ઊઠ્યા! હવે તો બસ એ તો એ કલ્પનામાં રાચવા લાગી કે એક દિવસ મારો ય આવો આવશે. જ્યારે અમે બંને એકસાથે હોઈશું. પણ વળી પાછી પેલી નાતિભેદ ની આશંકા આવી પણ તેને અમર પર ઘણો વિશ્વાસ હતો. ઘરનાને એ જરૂર મનાવી લેશે. સમયની રફ્તાર આગળ વધી.

 

એક દિવસ અમર આસ્થાને ઘરે આવ્યો થોડો વખત ઘરમાં થોડી બધાની સાથે વાત ચીત કરીને વિતાવ્યા બાદ જતી વખતે આસ્થાને પૂછ્યું,” ચાલ હવે હું નિકળું…. મને થોડે સુધી મૂકવા આવીશને?” આસ્થા તૈયાર થઈને તેની સાથે જવા લાગી નજીકમાંજ બસસ્ટેન્ડ હતું ત્યાં ઊભા રહ્યાં ત્યારે તેના મનમાં જે વિચાર હતો તે આસ્થાને જણાવ્યો: “સોરી આસ્થા હું તારી સાથે મેરેજ નહીં કરી શકું મને ભૂલી જજે. ઘરમાં બા બાપુજી અને મોટા ભાઈ બહેનો આમાં સંમત નહીં થાય.” બસ આ એક જ વાક્યે જાણે આસ્થાની દુનિયા જ લૂંટી લીધી..તેના પગ નીચેની ધરતી કોઈ એ સેરવી લીધી હોય તેવું તેને લાગ્યું ઘડીભર માં જ તે પોતાનું સમગ્ર અસ્તિત્વ જ જાણે ખોઈ બેઠી!. તોય શું કહેવું અને શું નહીં? તેની અસમંજસમાં તે કશુંય બોલી શકી નહીં.. એટલામાં બસ આવી અને અમર જતો રહ્યો. જીંદગીમાંથી સદાને માટે. આ હતી તેમની છેલ્લી મુલાકાત. બંન્નેની દુનિયા અલગ અલગ થઈ ગઈ.

 

પણ હાલ આજ આસ્થા ત્રણ દાયકા પછી કોમ્પ્યુટર ઉપર ફેસબુક પર નેટ સર્ફિંગ કરતાં એને એક વિચાર આવ્યો. લાવને જોઉં તો ખરી કદાચ  એ પણ ક્યાંક તો હશેને? એને સ્વાભાવિક જીજ્ઞાસા થઈ આવી. તે શું કરે છે? અને પોતાની ભૂતકાળની છબી સાથે અમરની છબી અંગે મનમાં સર્ફિંગ કરી એક ધૂંધળી યાદ ના અને છબીના આધારે બધાના નામોમાંથી તેના હુલામણા નામના આધારે તેનો ચહેરો અને પરિચય મેળવી લીધો જ. આસ્થાએ મૂકેલ ફેસબુક પરના મેસેજ અને કોંટેક નંબર પરથી કોંટેક કરીને ખાતરી કરી લીધી કે હા એ તે જ તેના બાળપણ નો મનનો માણિગર છે. એક તરફ એને ખુશી તો થઈ અને સમીપ આવવાની ઈચ્છા તો થઈ આવી. પણ તેની પરિપકવતાએ અંદરથી કહી દીધું કે જો એ તારો બનવાનો હોત તો તે દિવસોમાં જ બની ગયો હોત? એણે જે સપના આંખોમાં આંજી લીધા હતાં તેતો ક્યારનાય રોળાઈ ગયાં. હવે દરેકે પોતપોતાની અલગ અલગ દુનિયા વસાવી લીધી અને જીવી જાણી છે. ..અને જીવી રહ્યા છીએ. હવે ફરિયાદ કરવાનો ય   તેને શો અર્થ? મનમાં આસ્થા એ સાંભળેલી પંક્તિઓ ગુંજવા  કે “વાતને રસ્તે વળવું નથી અને આપણે હવે મળવું નથી.” આસ્થાએ ન મળવાનો નિર્ણય કરી લીધો.બસ આજ માર્ગ ભાવિને ઉજાળવાનો યોગ્ય છે.

 

પાર્થને કહેજો ચઢાવે બાણ


વીતેલો સમય પાછો નથી ફરતો;
કુદરત તારો નજારો બદલાતો રહેતો;
એને સદા માનવી લાચાર બની જોયા કરતો..

મીમાંસાનો સ્વભાવ જ એવો હતો કે તે સખીમંડળમાં પણ સૌની પ્રિયપાત્ર બની ગઈ હતી. ધાર્મિકવૃતિની અને પરગજુ સ્વભાવથી થોડાક જ સમયમાં તે અપરિચિત કે પારકાને પણ પોતાના બનાવવામાં માહિર હતી.દરેક બહેનો માટે તેના મનમાં આદરભાવ રહેતો. પછી તે ભણેલી હોય કે નાનીમોટી કે ઊંચનીચ હોય. તેનું મન સાફ અને આખાબોલી છતાંય એટલી માયાળુ અને દયાળુ વ્યક્તિત્વને કારણે મિત્રવર્તુળ બહોળુ ધરાવવા લાગી. હરકોઈનું નાનુંમોટું કામ તેનાથી શક્ય હોય તો તેને કદી નિરાશ ના કરતી અને હોંશેહોંશે ઉકેલી આપે એવી કોઠાસૂઝ ધરાવતી. સદા હસતી રહેતી અને જીવનરસથી છલકાતી રહેતી.આવી મીમાંસાનો માયાળુ સ્વભાવ હોય પછી કૌટુંબિક રીતે તો સુખી જ હોયને? તેનો પતિ સોહમ એક હાલમાં સરકારી સામન્ય કર્મચારીમાંથી ઉચ્ચાધિકારીને પદે સ્વમહેનતે પહોંચ્યો હતો. પોતાના કામ પ્રત્યે સંનિષ્ઠ બનીને બઢ્તી પાત્ર બની હાલની કક્ષાએ તે પહોંચ્યો હતો. વતનથી ઘણી દૂર આવીને તેને કારણે વસવું પડ્યું. હર્યોભર્યો સંસાર બનાવવા કુદરતે સરસ એવી મઝાની દિકરી સ્નેહા અને દિકરો જેનું નામ હતું પાર્થ આપ્યો અને ‘નાનું કુંટુંબ સુખી કુટુંબ’. એ ઉક્તિ એમના નાનકડા સબંધના વર્તુળમાં બરાબર બંધબેસતી હતી.
થોડા સમય માટે મીમાંસા અને ગાયત્રી મંડળના સભ્યો યાત્રાપ્રવાસે નીકળ્યા હતા. આમતો તેઓ હરિદ્વાર તો અનેક્વાર જઈ આવ્યા હતા.આ વર્ષ એમના માટે ખાસ વિશેષ ધાર્મિક ઉજવણીના ભાગરૂપે હતું. એમાંય વળી મીમાંસા ના જાય એવું બને ખરું? જોકે આ ઉપરાંત તેની અન્ય ખાસ પ્રિય સખી હેતા અને શ્યામા પણ હતી.તે બંને મળતી ત્યારે તેની જ વાત કરતી કે આજકાલ મીંમાસા દેખાતી નથી હજી આવી નહીં હોય કદાચ નહીંતો તેનો ફોન કોઈકના તો ઉપર અવશ્ય આવે જ કેમ ખરુંને? એમ અંદરોઅંદર પૂછતી ય ખરી.
હમણાંથી શિયાળાની મોસમ બરાબર જામી છે અને શીતલહરોથી સમગ્ર દેશમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હેતા અને શ્યામાએ રોજ સાંજે પરવારીને ફરવા જવાનું છેલ્લા અઠવાડીયાથી ચાલુ કર્યું હતું. શ્યામા આજે પણ હેતાને સાથે ફરવા જવા બોલાવવા આવી અને કહેવા લાગી કે:”આજે આપણે ઘણા વખતથી મીમાંસાને મળ્યા નથી, તો ચાલને.. આજે તેના ઘર તરફ ફરવા નીકળી પડીએ તો કેવું? એને કેટલાય વખતથી નથી મળ્યા તો એ બહાને મળીય લઈશું.” હેતા અને શ્યામા એ તરફ ચાલવા નીકળી પડ્યા. એનું ઘર બેએક કિ.મી. દૂર હતું. રસ્તામાં તેની જ વાતો કરતા હતા. શ્યામા કહે:” હવે એ તો પરવારી ગઈ એટલે હવે એની બાકીની જીન્દગીની તો શાંતિથી જ પસાર થવાનીને? દિકરાને સારી રીતે ભણાવ્યો ગણાવ્યો અને દિકરીનેય સારી રીતે ઘરના અને બહારના કામકાજમાં પ્રવીણ બનાવી દિધી. હવે એને ય સાસરે વળાવી દિધી એટલે એ બંનેવને હવે કાંઈ ચિંતાફિકર ય ના રહી. ખરુંને હેતા? તારી જેમ જ ને?” હેતા કહે:”હાસ્તો, કેમ નહીં?”
વાતો ને વાતો માં રસ્તો ક્યાં કપાઈ ગયો… ખબર ય ના પડી અને મીમાંસાનું ઘર આવી ગયું… દાદર ચઢીને બંને સખીઓ ત્રીજે માળે પહોંચ્યા અને ડોરબેલ વગાડી. મીંમાસાએ તુરત જ દરવાજો ખોલ્યો જાણે કે એમની જ રાહના જોઈ રહી હોય!… એ તો ખુશખુશ થઈ ગઈ. “આવો!આવો! બહુ દા’ડે ભૂલા પડ્યા બે જણાને કાંઈ? આ તો યાદ થી યાદ મળી ગઈ હોય એવું જાણે લાગ્યું. છેલ્લા ઘણા વખતથી તમારી રૂબરૂમાં મળવાની ઈચ્છા તો મારી ય થઈ આવી હતી અને જુઓને તમે અચાનક જ આવી ચડ્યા. કેમ શું ચાલે છે? બીજું કાંઈ નવાજૂની?આવો.. આવો.. બેસોને?” બધું જાણે એકી શ્વાસે બોલી નાંખ્યુ મીંમાસાએ.
હેતા અને શ્યામા અંદર આવી અને સોફા ઉપર બેઠાં. મીંમાસા અંદર રસોડામાં પાણી લેવા ગઈ અને જલ્દી જલ્દી આવી ય ગઈ.શ્યામા કહે:” ખરેખર!..આપણે કેટલા દિવસ થઈ ગયા?… મળ્યાને!!!. એટલે આજતો નક્કી કર્યું કે આપણે મીમાંસાને ઘરે મળવા જ જઈએ અને બસ પછી તો તારા ઘર તરફ પગ ચાલવા લાગ્યા અને આવી ય ગયા.” “તે સારું કર્યુંને! હું ય ઘણા દિવસથી મળીને ઘણી બધી વાતો કરવાની છે એવું વિચારતી હવે મળાય ત્યારે ખરું.ચાલો સરસ… આ રીતે આવ્યા તે મને ય ગમ્યું?” શ્યામા બોલી:”મને હેતા કહેતી હતી રસ્તામાં કે અત્યારે સોહમભાઈનો ઓફિસેથી ઘરે આવવાનો ટાઈમ અને રસોઈપાણીનો ટાઈમ અને આપણે ક્યાં ત્યાં જઈ ચડીશું? એમનો સમય બગડશે અને રસોઈનું ય મોડું થશે એમને તકલીફ થશે. મેં હેતાને એજ કહેતી હતી કે આપણે ઊભાઊભા જ ખબર અંતર પૂછી પાછા વળી જઈશું. તું હરિદ્વારથી ક્યારે આવી મીમાંસા? હાલ તો તું ય બહાર ગઈતી કે શું?” મીમાંસા બોલી:”હા, બજારમાં થોડું નાનુંમોટું કામ હતું અને હાલ જ આવી ને કપડાં બદલ્યાં ને તમે ડોર બેલ વગાડી બસ એટલી જ વાર થઈ.” હેતા કહે:”તો તો અવશ્ય તારે ઘણું કામ બાકી હશેને? અને આમ અમે..મીમાંસા બોલી:”ના ના એવું હોય કંઈ! અને સોહમ હાલ તો ચૂંટણીના કામમાંથી નવરો પડે ત્યારેને? હાલ તો સાંજે વહેલુંમોડું થાય અને ક્યારેક ફોનથી કહી દે… મારે મોડું થશે… મારી રાહ ના જોતી અને તું જમી લેજે… હજી તો રસોઈ બનાવવાની છે. પણ મારે નિરાંત છે. થાય છે શાંતિથી ઉતાવળ નથી.” શ્યામા બોલી,”તો ઠીક આતો બસ થોડીવાર..તારે ત્યાં ઊભાઊભા જઈ આવીએ એવું મન હતું ને આવી ગયાં..આમ જ.”
એટલામાં જ તેની મોબાઈલની રીંગ વાગી અને મીમાંસાએ મોબાઈલ ઉઠાવ્યો અને ખાસી એવી વાતો કરી અને છેલ્લે ફો પર બોલ્યા:”ચાલ બસ બેટા. અને હાલ હેતા અને શ્યામામાશી આવીને બેઠા છે અને તું ફોન કરતો રહેજે.આવજે જેશ્રીકૃષ્ણ..” હેતા એ પૂછ્યું:”સ્નેહા શું કરે છે? જમાઈ અને છોકરાવ મઝામાંને?” મીમાંસા બોલી:”હાસ્તો આજકાલ તો એ રસોઈના ક્લાસમાં જાય અને અવનવું શીખી લાવે… તે પાછી હું સુરત જાઉં મલવાને ત્યારે બનાવેને ખવડાવે? આ વખત તો હોંશે હોંશે મને કહે એક નવી વેરાયટી શીખી લાવી છું. લે આ જ્યુસ પી અને મેં પૂછ્યું શેનો છે? મને કહે તું એક્વાર પી તો ખરો પછી હું તને કહું અને ખરેખર પીધો તો બહુ સરસ લાગ્યો મનેતો.” ત્યારે સ્નેહાએ કહ્યું:”આતો જામફળનો જ્યુસ છે મને તો નવાઈ લાગી.. ટેસ્ટ તો એના જેવો જ લાગે છેને? એનો પલ્પ બનાવીને ભરી ફ્રીઝમાં રાખવાનો અને જરૂર હોય ત્યારે તેમાં થોડું જરૂરિયાત મુજબનું ઉમેરીને જીરૂમીઠું ને ખાંડ ઉમેરો એટલે હલાવીને પીવાનું જ.. છે ને ટેસ્ટી?” મીમાંસા તો કહે:” હું તો ચાખીને દંગ જ રહી ગઈ? આ મારી દિકરી સ્નેહા તો કિચનક્વીન બની ગઈને?કાંઈ?” સ્નેહાને ય નવુંનવું બનાવી ને ખવડાવવાનો ઝાઝો શોખ? એટલું તો કહેવું પડે!.. અને સાસરીયામાં તો એવી એજ રીતે બધાની સાથે મિક્સ સારી રીતે થઈ ગઈ છે.”

શ્યામા બેન કહે,” હા બેઠો તમારા જેવો જ સ્વભાવને? બધાને ખવડાવવાનો ભારે શોખ અમે ક્યાં નથી જાણતા? અમને સ્નેહાના સમાચાર્ જાણી ભારે આનંદ થયો. બસ છોકરાંઓ સુખી તો આપણેય સુખી.. બરબરને?” “હાસ્તો”મીંમાસાએ સૂર પૂરાવ્યો…હેતા કહે:”ખાસ્સો સમય થઈ ગયો. ખબરય ના પડી ચાલો હવે અમે રજા લઈએ મીંમાસા..”મીમાંસા કહે:”બેસો તો ખરાં. મારેય તમને જ્યુસ પીવડવવો છે. એમનેમ કંઈ ચાલ્યા જવાય? આ દર્દ તો ચાલ્યા કરે પણ સોહમને ટાઈમ નથી મળતો એ આવે ને લઈ જાય ત્યારે એક્વાર ડૉક્ટરને બતાવી આવવું છે આજ કાલ તેને કામનું ભારણ થોડુંવધી ગયું છે. પણ એ તો ચાલ્યા કરે.” હસતા હસતા મીમાંસા બોલી.

આજકાલ મીંમાસાને જોતાં કોઈ નજદીકનું સાવ અંગત હોય તેજ કદાચ એની ચહેરાની રેખાઓ પરથી કહી શકે કે તેના હાસ્યની પાછ્ળ કોઈ ઘેરા વિસાદની છાયા છુપાયેલ હશે… પણ આ વાત શ્યામા અને હેતા એ પકડી પાડી અને હેતા એ કહ્યું,”ભલે તમે હસો છો પણ અંદરનું દર્દ વરતાય છે હોં.” શ્યામા તરતજ બોલી:”હા,ખરેખર એવું જ તમને જોતાં લાગે છે. હોં.” તો ય મીમાંસા હસતી રહી:”જોયા બહુ મોટા તમે પાછા ડૉક્ટર ખરાને? જ્યુસ પીધા વગર નથી જવાનું. એમાં તમારી બિલકુલ આનાકાની નહીં ચાલે હોં…એમ કરીએ ચાલોને… આપણે ત્રણેય રસોડામાં જઈએ અને વાતો ય થશે.” શ્યામા બોલી:”હા ચોક્ક્સ તારી સાથે ઘર જેવું જ છે ને આપણે ક્યાં અજાણ છીએ એકબીજાથી?” હેતા અને શ્યામા તો નીચે જ પલાંઠીવાળીને બેસી ગયાં આસન ઉપર. શ્યામાએ કહ્યું:”સુરતથી આવતાં ત્યાંથી મઝાનાં જમરૂખ મળતાં હતાં તે સાથે જ લઈ આવી હતી અને તેનો પલ્પ બનાવીને મૂકીય રાખ્યો છે”.
બસ વાતવાતમાં બનાવીને બે ગ્લાસ શ્યામા અને હેતાને ધરી ય દીધાં. બંનેવે જ્યુસ પીધો અને એકીસાથે બોલી ઉઠ્યાં:”ખરેખર બહુ જ સરસ છે..મીમાંસા”..એટલામાં ફોનની રીંગ વાગી અને બેઠકરૂમમાં જઈને સોહમ સાથે વાતચીત કરીને પાછી આવીય ગઈ. મીમાંસા બોલી:”જો આજેય મારે મોડું થશે. તું રાહના જોતી અને તું જમી લેજે તેવું કહેવા જ સોહમનો ફોન હતો. હવે તો ઉતાવળ નથીને? આજકાલ રસોઈ બનાવવાવાળીને રાખી લીધી છે આ પથરીનો દુ:ખાવો એવો ઉપડે ત્યારે સખત ઉપડે કે ત્યાં ને ત્યાં જ પેટ પકડીને બેસી જવું પડે. એટલું અસહ્ય હોય છે.” શ્યામા કહે: હવે અમે જઈએ આ હેતા તો પરવારીને આવી છે પણ મારે ઘરે સાહેબ મંદિરેથી આવીને જમવાની રાહ જોતા હશે. રજા લઈએ અમે હવે આવતા રહીશું ને મળતા રહીશું. બરાબરને? સોહમને નવરાશ ના હોય તો અમે તારી સાથે આવીએ. બોલ કાલે જવું છે? ડૉક્ટરને બતાવવા.. તો ફોન કરજે.બરાબર?” મીમાંસા બોલી:”ના ના, એવું કંઈ નથી અમે એને ટાઈમ કઢાવીને પણ જઈ આવીશું બસ” શ્યામા અને હેતા ઊભા જ થતા હતા અને એ જોઈ તરત મીમાંસા બોલી:”બેસો તો ખરા! મારે તમને મારી વાત કહેવી છે…કેટલાય સમયથી કહેવી હતી મારે તમને”. પાછા ત્રણેવ બેસી ગયા.

હવે મીમાંસા પોતાની આપવીતી કહેવા લાગી:”આતો તમે બંન્નેવ મારી ખાસ સખી ઓ છો એટલે મન સહેજ હલ્કું કરવાને કહું છું..શ્યામા,આ પાર્થની મરજી પ્રમાણેનું લગ્ન તો હોંશભેર કર્યું અને એકના એક દિકરાને લાડેકોડે ઉછેર્યો અને કેવી કેવી પરિસ્થિતિમાં અમે એને ભણાવ્યો ગણાવ્યો અને પરણાવ્યો ય ખરો એનાથી તમે ક્યાં અજાણ છો? એની પસંદગીને અમારી પસંદગીને અપનાવી લીધી વહુ દયા નર્સીંગનું કરી નોકરીએ ય લાગી. બંન્નેવ જણ સુખેથી રહેવા નોકરી ય કરે છે. હજી એનો મીત નાનો છે અને એટલે અગવડ પડે એ ય સ્વાભાવિક છે. અમે દાદા-દાદી બન્યા આ સમય પણ પસાર થયાને ત્રણ ત્રણ વર્ષ પાણી ના રેલાની માફક વહી ગયા. પણ હવે આજ સમજશે કાલે સમજશે.. અનેક્વાર ભૂલ કરીને આંદરોઅંદર નાનામોટા સૌની સાથે બેસીને માફી અને સમાધાનના માર્ગને અપનાવીને ચલાવતા આવ્યા. ત્રણ વર્ષમાં ત્રણસો વખત ભૂલો કરવાનો અને માફી ય માગી લેવા નો સિલસિલો જ ચાલતો આવ્યો છે.આવું ભૂલી જઈને દર વખતે જતું કર્યું. પણ હવે તો હદ થાય છે!..ક્યાં સુધીને આજ રીતે ચલાવ્યા કરવાનું? તેય સ્વમાનના ભોગે. હવે તો પાર્થ પણ દયાનું જ ઉપરાણું લેતો રહે છે. મને તડ ને ફડ કહી દે: “તારે દયાને કંઈ જ કહેવાનું નહીં એની મરજી પ્રમાણે જ કરવા દેવાનું.એ ય નોકરી ઘર અને મીતનું કેટકેટલું સંભાળવાનું. એને એની મરજી પ્રમાણે જ ઉઠવા દેવાનું સમજી તું..” જાણે એ ઘરનું બધું કામકાજ એજ કરતી ના હોય..વારંવાર બન્યું છે હવે ઘર છે મતભેદ હોય પણ ખરો પણ ત્યાં મનભેદ ના હોવો જોઈએ ખરુંને?..ઘર હોય ત્યાં તો બે વાસણ ખખડેય ખરાં..મારો તો કોઈ કહેવાનો હક જ નહીં..મીમાંસા બોલ્યે જતી હતી…
હદ તો શ્યામા ત્યારે થઈ જ્યારે મીતને રાખવા આ વખતે પીપાવાવ તેના ઘરે ગઈ ત્યારે. અમે વારા કાઢ્યા છે મીતને સાચવવાના. પંદર દિવસ માટે હું મીતને રાખવા જઉં જ છું અને પંદર દિવસ માટે એની મમ્મી જાય છે. જેથી કરીને બંનેને નોકરી કરવામાં અનુકુળતા રહે. હજી ત્યાં ગયે મારે અઠવાડીયું વીત્યું હશે લગભગ. મારો વહેલો ઉઠવાનો ક્રમ જ છે સૌથી પહેલાં હું ગરમ પાણી તપવા ગેસ પર મૂકીને મેં બૂમ મારી:” ચલો બેટા હવે ઉઠવા માંડો..લાલા(પાર્થને ઘર્માં એના લાડકા નામથી બોલાવીએ છીએ.) તું તો ઉઠી જા”..ત્યારે દિયા મને વળતો જવાબ આપીને કહે:”સવારના પહોરમાં કે તમારે તો બસ છોકરાને સાચવીને બેસી જ રહેવાનું ને? બીજું આખો દિવસ તો કંઈ કામ કાજ નહીંને…! સવાર સવારમાં તો જંપવાનું નામ જં નથી લેતાં”. લાલો પણ એનું ઉપરાણું લેતાં કહે:”મમ્મી તારે દયાને કશું જ બોલવાનું નહીં એ એને મન ફાવશે ત્યારે ઉઠશે અને એની મરજી પડશે તે પ્રમાણે રહેશે. તારે માથું નહીં મારવાનું સમજી?” મને તો એકને બદલે બબ્બે જવાબો મળ્યા

હવે તો દયા ઝાલી રહે ખરી? તેતો તરત જ મોટા અવાજે કહેવા લાગી:”આ દરવાજો ખુલ્લો છે…ચાલ્યા જાવ..હજીય કહું છું અને ના ફાવતું હોય તો ચાલવા માંડો?” મારી દશા તો કાપો તો લોહી ના નીકળે તેવી થઈ ગઈ. ત્યારે ના છૂટકે મારા મોંમાંથી ય શબ્દો નીકળી પડ્યા;”તું બેસ હવે છની માની મારા દિકરાનું ય ઘર છે તારી એકલીનું નહીં..સમજી?.. તું મને શું સમજે છે? નાના મોંએ બોલતાંય શરમ નથી આવતી? પણ આજે તો હું જાઉં છું હવે ક્યારેય તાર ઘરે પગ નહીં મૂકું”. લાલાએ એક હરફ સુદ્ધાં નથી ઉચ્ચાર્યો. એકદમ ચડીચૂપ. હવે એક્દમ ભિગીબિલ્લી બની ગય. સાવ જ નમાલો થઈ ગયો છે. પણ મને ખૂબ જ લાગી આવ્યું..હજી બ્રશ તો મારા મોંઢામાં જ હતું. દયાએ તો ફોન સોહમને લગાવ્યો અને ફોન પર જ કહેવા લાગી,”આ મમ્મી હાલને હાલ તમારા ઘરે આવે છે. રોજ સવાર સવારમાં.. એમને કંઈક ને કંઈક ઊંચુનીચું કરવા જોઈએ. હવે રાખજો તમારા.. ઘરે.. અમારે કંઈ એમની ગરજ નથી”.સોહમ ફોન પર બોલ્યો ય ખરો:” દયા, તને ખબર તો છે ને? મમ્મીને આમ એકલી આટલે દૂરથી આવવા દેવાય? એ કેવી રીતે આવશે? એની તકલીફની તો ખબર છેને? રસ્તામાં કંઈ થઈ ગયું તો?..

હું તો પહેરેલા કપડે ન્હાયા ધોયા વગર બ્રશ કરીને બેગમાં કપડાં નાંખીને બસસ્ટેન્ડે અહીં ઘરે પરત આવવા નીકળી ગઈ. આખા રસ્તામાં બસમાં બસ એના એજ ખ્યાલો મારો પીછો ન્હોતા છોડતા. પાર્થ આટલો બધો!!બદલાઈ ગયો…! બાકી જેવી પરવરીશ સ્નેહાની કરી છે તેવી જ એની કરી છે. એની આજદિ લગીન ક્યારેય સાસરે થી ફરિયાદ નથી આવી. ઉલ્ટાનું એના સાસુ સસરા કહે ય ખરા:”આ સ્નેહા જેવી તમારી બીજી દિકરી હોત તો અમારા નાના દિકરા સાથે એનું માંગુ મૂકત.” બંનેવ ભાઈ-બહેન ને સરખા જ ગણ્યા છે. પહેલાં પાર્થ કેટલો માયાળુ અને લાગણીશીલ અને દયાળુ હતો!!. આટલો બધો બદલાઈ જશે એવો અમને સપનામાં ખ્યાલ ના આવે. મને દુ:ખ તો આ પેટના જણ્યાનું છે. તે માના પ્રત્યે આટલો બધો દયાહીન કેવી રીતે બની શકે? મારી આંખોમાં હવે તો આ આંસુ જ સૂકાતાં નથી..હવે મારા નસીબમાં સુખના દિવસોની જગ્યાએ પાછલી જીંદગીમાં આવા દિવસો જોવાના બાહી રહ્યા? વિચારીને મારું માથું ય ભમવા લાગ્યું. આંખોમાંથી દડદડ આંસુ બસ વહ્યા જ કરે છે.”

એમ કહેતાં કહેતાં ફરીથી મીમાંસાની આંખો છલકાઈ આવી અને શ્યામા અને હેતાની આંખોય ભીની થઈ ગઈ. શ્યામા એ મીમાંસાના વાંસે હાથ ફેરવતાં કહ્યું:”આય દિવસો જતા રહેશે. એક માના દર્દને તો મા જ સમજી શકેને? આજદિન સુધી તેં અમને અણસાર ય નથી આવવા દીધો. પોતાના જ પારકાં જેવો વ્યવહાર કરે ત્યારે દર્દની કોઈ સીમા જ નથી રહેતી. આભ જ જ્યાં ફાટે ત્યાં થીંગડું ક્યાં દેવા જવું? પણ આમને આમ તમે રડ્યા કરીશ તું તો તારી તબીયત વધુ લથડશે અને સોહમનોય તારે જ વિચાર કરવાનો રહ્યોને એ ય પોતાનું આ દુ:ખ કોને કહે? ધીરેધીરે સૌ સારું થઈ જશે”.મીમાંસા બોલી:”દયાના પિતા તો નાની ઉંમરે જ ગુજરી ગયા અને તેણે પિતાની છત્રછાયા ગુમાવી. એને ઓછું ના આવે એટલે જ્યારથી સગાઈ થઈ ત્યારથી તેની નાની નાની જરૂરિયાતો ગરીબ ઘરની અને ભાઈ કમાતો નથી એટલે પૂરી કરતી… તેનો આ બદલો!!.. આજસુધી મેં ઘરની પરિસ્થિતિનો ક્યારેય…કહેતા કહેતા મીમાંસાથી ડુસકું નંખાઈ ગયું અને આંખોમાં આંસુનો બંધ છલકાવા લાગ્યો..હવે…હદ થાય છે..સહન કરવાની ય શક્તિ મારામાં નથી રહી હવે…તો ભગવાન લઈલે તો સારું..બોલતાં બોલતાં શ્વાસ રૂંધાતો હોય તેમ તે મૌન્ બની ગઈ. શ્યામા અને હેતા નજદીક જઈને તેના વાંહે હાથ ફેરવતા ફેરવતાં કહેવા લાગી:”તું ફિકરના કર અમને પોતાના સમજીને જે કહેવું હોય તે કહે. વાતને પેટમાં જ રાખીશું તું તારે વિના સંકોચે પેટ છૂટી વાત કર વાત બહાર નહીં જાય. આમ સદા હસવાવાળી તું તેં ક્યારેય આજદિન સુધી તારું દુ:ખ કળાવા નથી દીધું નહીં તો આપણે તો અવારનવાર મળતા રહીએ છીએને? ઊભા થતાં થતાં મીમાંસા બોલી:”મને લાગલગટ છેલ્લા કેટલાય દિવસોથી ઊંઘ હરામ થઈ ગઈ છે. એકતો આ કિડનીમાં અચાનક પથરીનો દુ:ખાવો અને આ અસહ્ય વિચારો એવો માથાનો ભરડો લે છે કે છેવટે કંઈ કરી નાંખું..કરી નાંખુ..એવા અશુભ વિચારો કેટલીયવાર આવ્યા હશે.હાલ બહું મન ખિન્ન અને ઉદાસ બની ગયું અને તમારી આગળ આ ઊભરો ઠલવાઈ ગયો. શું કરું? સામેના બારણે ફ્લેટમાં મગજના ડૉક્ટરની હાલ જ બદલી થઈને આવ્યા હતા. તેમણે ઈલાજ અર્થે ઘણી બધી વાત પૂછી અને કહેવી પડે તો જ સાચો ઈલાજ થાય. તેમણે ધીરેથી ચાલાકીથી મારી પર્સમાં એક પડીકી રાખી હતી તેય પકડી નાંખી. ડૉકટરે પૂછ્યું:”આ દવા કેમ રાખો છો? અને શાની છે?”… સુંઘીને તરત જ કહ્યું આવી દવા ના રખાય. આવું અવિચારી અને ઊતાવળીયું પગલું ના ભરાય.. કહીને લઈ લીધી એમાં ઉંદર મારવાની દવા હતી. હવે પાછો હમણા હમણાં આવ્યો હતો તે લાલાનો ફોન હતો ને ખબર પૂછવા સ્તો. કહે છે કે:”મમ્મી દયા તમારી માફી માંગે છે અને બહુ પસ્તાવો કરે છે”.
પણ શ્યામા આવું તો અનેકવાર બન્યું આ વખતે તો તેના ઘરે તો નહીં જ જાઉં. ભલે મીત ને મોટો કરવો હશે તો હું અહીં મારે ત્યાં જ મોટો કરી આપીશ. પણ એના ઘરના ઉંબરેથી મને જાકારો મળ્યો તે તો પાછાં નહીં જ ચઢું.

એતો આપણે ય જાણીએ છીએ કે માવતર કમાવતર ક્યારેય નહીં થાય. પણ દરેકને પોતાનું સ્વમાન તો હોય ને? એને એંજીનીયર બનાવવા રાતદા’ડો એક કર્યા અને પેટે પાટા બાંધીને ભણાવ્યો. છેલ્લા વીસ વર્ષોથી ઘરે સિલાઈ કામ કરીને પોતાના ભવિષ્યને બનાવનાર માબાપને દિકરાઓ એમના લાગણી અને અરમાનોને કચડી નાખવામાં જરાયે વિલંબ ન કરનાર દિકરાઓ ખરેખર દિકરા કહેવાને લાયક છે ખરા? દિ વાળે એ દિકરો બાકી છો(છોયેલ)..કરો(ભીંત) જે કશાય કામની નથી હોતી તેવા કરા સમાન જને? ભગવાન એમને સદબુદ્ધિ આપે”

શ્યામા અને હેતા દરવાજે ઊભા હતા. શ્યામા બોલી:”આટલું બધું વીતી ગયું અને અમને અણસાર સુદ્ધાંય ના આવ્યો આ કુદરતી ઈચ્છા અમને થઈ આવી અને આવી ચડ્યા..તે ય સારું થયું બાકી અમને તો ખબરજ ના પડતને કે તારી કેવી સ્થિતિ છે? સદા હસતી રહેતી સાહેલીના સ્વભાવને એના જ ઘરનું ગ્રહણ લાગ્યું. ખેર! આ દિવસોય જતાં રહેશે અને સૌ સારાં વાનાં થઈ જશે એકદિવસ એમને ય એમની ભૂલ સમજાશે. અમે તને આવા સમયે એકલી નહીં પડવા દઈએ તું તારી તબિયતની કાળજી રાખજે અને એક જ ફોન કરજે ગમેત્યારે.. અમે તુરત જ આવી લાગશું અને તારા દર્દને દૂર કરવામાં કઈંક સહભાગી બનીશું..પોતાને એકલી ના સમજતી અને હા સોહમની સામે ય તારા સિવાય કોણ જોવાવાળું છે? તો ખૂબ સમજી વિચારીને મનને શાંત રાખજે. તું તો ધાર્મિકવૃતિવાળી છે અને આમ આટલી જલ્દી આસ્થા ના ગુમાવતી સૌ સારાં વાનાં થઈ જશે. અમે ય આવતા રહીશું અને તું ય મળતી રહેજે. પોતાને એકલીના પાડી દેતી.” એમ કહીને વિદાય લીધી. મનમાં સહજ એક ખ્યાલ દોડી ગયો..”આ જીવન એક સંગ્રામ..પાર્થ ને કહેજો કે ચઢાવે બાણ.”